ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ તેમજ બેંગલુરુ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પાઇસીસ રિસર્ચ કાલિકટએ ઉચ્ચ મૂલ્યના પાકો માટે ઈન્ડોર એરોપોનિક્સને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીક ઓછા સમયમાં સારી ઉપજ આપશે, જેના કારણે ખેડૂતોને વધુ નફો મળશે. વાસ્તવમાં, એરોપોનિક્સ એક એવી તકનીક છે જેનો ઉપયોગ હવામાં અને માટી વિના બાગાયતી પાક ઉગાડવા માટે થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો બધું પ્લાન મુજબ ચાલે છે તો તમે જલ્દી જ પોલી હાઉસમાં માટી વગર શાકભાજી, અમુક ફળ, મસાલા અને ફૂલો પણ ઉગાડી શકો છો. ખાસ વાત એ છે કે મિસ્ટ સ્પ્રેની ટેક્નિકનો ઉપયોગ કરીને છોડને હવામાં લટકાવી શકાય છે અને જરૂરી પોષક તત્વો પૂરા પાડી શકાય છે. ત્યારે ICAR અને IIHR આ સંબંધમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરશે.
IIHRના વિજ્ઞાની નંદીશા પીના જણાવ્યા અનુસાર એરોપોનિક્સ ટેકનિકની મદદથી કેટલાક ફળો, શાકભાજી, ફૂલો અને મસાલા પણ ઉગાડી શકાય છે. તેમના મતે આ પદ્ધતિમાં છોડને લટકાવવામાં આવે છે અને આ છોડના મૂળ જોઈ શકાય છે. “આપણે તેને પોલી હાઉસ તરીકે ઓળખાતા સંરક્ષિત વિસ્તારમાં ઉગાડી શકીએ છીએ,” તેમણે કહ્યું કે સેન્સર આધારિત મિસ્ટ સ્પ્રેઇંગ સિસ્ટમનો ઉપયોગ જરૂરી પોષક તત્વોના છંટકાવ માટે થાય છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
એરોપોનિક્સ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોના મતે આ ટેકનિકના ઘણા ફાયદા છે. તેને ઓછા પાણીની જરૂર પડે છે અને તેથી બગાડ અટકાવે છે. પોષક તત્વોનો પણ બગાડ કર્યા વગર ઉપયોગ કરી શકાય છે. બીજો મોટો ફાયદો એ છે કે છોડના સામાન્ય વિકાસ સમયગાળાની તુલનામાં છોડ ઝડપથી અને વધુ સારી રીતે વિકસે છે. એરોપોનિક્સનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા કેટલાક લોકપ્રિય છોડમાં સ્ટ્રોબેરી, ટામેટાં, ફુદીનો અને તુલસીનો સમાવેશ થાય છે.
અગાઉ, IIHRએ માટી વિનાની ખેતી પદ્ધતિ વિકસાવી હતી, જ્યાં ફોસ્ફરસ, પોટેશિયમ અને નાઈટ્રોજન જેવા પોષક તત્વો, જે છોડના વિકાસ માટે જરૂરી છે, કોકો-પીટમાં ઉમેરવામાં આવે છે. ટેરેસ ગાર્ડનિંગથી માંડીને અનેક પ્રકારના ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં પાણી વગર અને માટી વગર છોડ ઉગાડવામાં આવે છે ત્યાં પણ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આવશ્યક પોષક તત્વો પાણી દ્વારા પૂરા પાડવામાં આવે છે.