એક રહસ્યમય કથા, જિંદગીના સંધ્યાકાળે આવીને ઉભેલું એક દંપતિ શહેરના છેવાડે આવેલાં એક નાનકડા મકાનમાં રહેતું હતું. મકાન નાનું હતુ પણ બન્નેએ એક બીજાને આખી જિંદગી હુંફ આપી તેને એક ભવ્ય ઘર બનાવી રાખ્યું હતુ. ઢળતી ઉંમરે જ્યારે સંતાનના સહારાની જરૂર હોય ત્યારે તેમણે તેમની ગેરહાજરી કુદરતની ઈચ્છાગણી અવગણી હતી. નોકરીમાંથી નિવૃત થઈ ગયા હતા અને પેન્શન પર બે જણાનો સુખીસંસાર ચાલતો હતો. કજીયા, કંકાસ તો દુર કુદરત બન્ને પર એવી આફરીન હતી કે તે બન્ને એક દિવસ પણ અલગ નહોતા રહ્યાં. હાં, ભાગ્યેજ ક્યારેક ઘરની જરૂરી વસ્તુ લેવા જવાનું હોય તો કલાકો માટે જ અલગ થતાં. તેમની આ નાનકડી પણ આનંદથી ભરેલી દુનિયાને એક દિવસ જાણે કોઈકની નજર લાગી ગઈ.
એક રાતની વાત છે. ઘરના બીજા રૂમમાંથી આવતા ભેદી અવાજથી વૃધ્ધની આંખ ખુલી ગઈ. જાગેલા વૃધ્ધે અવાજની દિશામાં ધ્યાન કેન્દ્રીત કર્યું. અવાજ ઘરમાંથી જ આવતો હતો માટે તેમણે પલંગ પર સાથે સુતેલી પત્નીને હાથ હચમચાવી ઉઠાડી. વૃધ્ધા કાંઇ બોલે તે પહેલા ડીમ લાઈટના અજવાળામાં તેમણે મોઢા પર આંગળી મુકી ચુપ રહેવાનો ઇશારો કર્યો અને ઘરમાંથી આવી રહેલા અજુગતા અવાજ સાંભળવા કહ્યું. ધીમો પણ કંઈક વસ્તુઓ આઘીપાછી કરવાનો અવાજ સતત ચાલુ હતો.
ઘર છેવાડાનું હતુ, બૂમાબુમ કરે તો પણ કોઈ તાત્કાલીક મદદ માટે આવે તેમ નહોતુ. વૃધ્ધાએ બેડની જોડે લાગેલા સ્વિચ બોર્ડ પર હાથ લંબાવી મેઈન લાઈટ ચાલુ કરી અને વૃધ્ધે બુમ પાડી, “Hay, Who is there?” એક છ ફૂટની ઉંચાઈ અને અલમસ્ત શરીર વાળો ચોર તેમની સામે આવીને ઉભો રહ્યો. મધરાતે ઘરમાં અજાણી વ્યક્તિની હાજરી અને હાથમાં ધારદાર છરો જોઇ વૃધ્ધ દંપતિ સ્વાભાવિક હેબતાઈ ગયું. ચોરે બન્નેને છરો બતાવી ચૂપ રહેવા કહ્યું. અકલ્પનિય દ્રશ્ય જોઇ પતિ-પત્ની પથારીમાં બેઠાં-બેઠાં જ એક બીજાનો હાથ પકડી પારેવાની જેમ ફફડવા લાગ્યા. વૃધ્ધ જાણતા હતા કે, ઉંમરની અશક્તિના કારણે ચોરનો સામનો કરવો અશક્ય છે. તે કરગરવાં લાગ્યા, “જે લેવું હોય તે લઈ લો પણ અમને કશું ના કરતો”!
ચોર આવ્યો તો ચોરી કરવા જ હતો પણ તે દિવસે તેના પર વિકૃતિ સવાર હતી, તેણે વૃદ્ધ દંપતિને પથારીમાં જ આડેધડ ઘા મારી રહેંસી નાંખ્યા. એટલું જ નહીં બન્નેની હત્યા કરી ઘરની તમામ કિંમતી વસ્તુઓ પણ લૂંટીને જતો રહ્યો. દરેક ઘટનામાં થાય છે તેમ આ ઘટનામાં પણ બીજા દિવસે ક્યાંકથી પોલીસને ડબલ મર્ડર અને લૂંટની જાણ થઈ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી. થોડા દિવસો પછી આ હત્યાના આરોપસર પોલીસે એક વ્યક્તિને પકડીને જેલમાં પુર્યો. આ બધી જ ઘટનાઓ સ્થાનિક અખબારોમાં રોજેરોજ ઝીણવટભરી રીતે લખાતી હતી.
પકડાયેલા શકમંદની તપાસ ચાલુ હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં એક જાસૂસ આવ્યો. તેણે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં પોલીસની ખાનગી રીતે મદદ કરી હતી માટે પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સિનિયર અધિકારીઓ તેનાથી પરિચિત હતા. જાસૂસે પોલીસ સ્ટેશનમાં આવી મુખ્ય પોલીસ ઓફિસરને કહ્યું કે, “ડબલ મર્ડર કેસને હું પહેલાં દિવસથી અખબારોમાં વાંચતો આવ્યો છું. તમે એક આરોપીને પણ પકડી પાડ્યો છે અભિનંદન. પણ, મારે એ આરોપીને મળવું છે. તેની પાસેથી થોડીવાતો જાણવી છે”. જાસૂસ પરિચિત હતો અને ભૂતકાળમાં પોલીસને મદદ કરી હતી માટે પોલીસ ઓફિસરે તેને પરવાનગી આપી દીધી. જાસૂસ એક રૂમમાં પકડાયેલા આરોપી સાથે બેઠો. લગભગ બેથી અઢી કલાક તેની સાથે વાતો કરી અને પછી રૂમમાંથી બહાર આવ્યો.
જાસૂસે બહાર આવી પોલીસ ઓફિસર સામે નિસાસો નાંખતા કહ્યું, “મને લાગે છે કે, તમે પકડ્યો છે એ શખ્સ આરોપી નથી. તમે ખોટા આરોપીને લઈ આવ્યાં છો!” પોલીસ અધિકારી જાસૂસના ભૂતકાળના ઈન્વેસ્ટિગેશનથી પરિચિત હતા. માટે એક આદર અને આમાન્યા સાથે પ્રત્યુતર આપવાનો હતો. છતાં, પોલીસે સહેજ મરકાટ સાથે કહ્યું, તમને લાગતુ હોય કે અમે ખોટો આરોપી પકડ્યો છે તો હજુ કોર્ટ ટ્રાયલ બાકી છે તમે ઈન્વેસ્ટિગેશન કરો અને મજબૂત પુરાવા સાથે સાચા આરોપીને લઈ આવો. જાસૂસ પળવાર માટે ઓફિસર સામે જોઈ રહ્યો અને તેના કાળા રંગના મોટા કોટના આગળના બે ખીસ્સામાં હાથ ખોસતા ઉંધો ફરી પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો. તે ગયો ત્યાં સુધી પોલીસ ઓફિસર તેની સામે એકીટસે જોઇ રહ્યાં અને બન્નેમાં કોણ સાચું? પોલીસ કે જાસૂસનો અનુભવ?! તેવી મનમાં ઉઠેલી ગડમથલને ડામતા પોતાની ચેમ્બરમાં જઈ કામે લાગ્યા.
થોડા સમય પછી જાસૂસ ફરી પોલીસ સ્ટેશન એક વ્યક્તિને પકડી લઈ આવ્યો અને પોલીસ ઓફિસરને પુરાવા આપતાં કહ્યું, આ છે ડબલ મર્ડર અને લૂંટનો અસલી આરોપી. તેના વિરૂધ્ધના સજ્જડ પુરાવા પણ તેણે પોલીસને આપ્યાં. પોલીસે આ પુરાવાની તપાસ કરી તો જાસૂસે આપેલા પુરાવા અને થિયરી સાચી ઠરી. પોલીસે કોર્ટ સમક્ષ વિનંતી કરી કે તેમની તપાસમાં ભૂલ હતી અને તેમનાથી ખોટો આરોપી પકડાયો છે. જાસૂસની મદદથી બીજો એક આરોપી પકડાયો છે અને તે જ હત્યારો હોવાના સજ્જડ પુરાવા પણ મળ્યાં છે. કોર્ટે પુરાવા તપાસ્યા અને પોલીસની વિનંતી ગ્રાહ્ય રાખતા તેમણે પહેલા પકડેલા શકમંદને મુક્ત કર્યો.
વાતમાં હવે નવો વળાંક આવ્યો. જે દિવસે કોર્ટે નિર્દોષને મુક્ત કર્યો અને જાસૂસે સોંપેલા આરોપીને કેદખાનમાં નાંખ્યો તે દિવસથી તે જાસૂસ ભેદી રીતે લાપતા થયો. તેનો ક્યાંય કોઈ અતોપતો ન રહ્યો. બીજી તરફ કોર્ટે નવા આરોપી પર ફરીથી કેસ શરૂ કર્યો અને ટ્રાયલના અંતે આરોપીને ફાંસીની સજા ફટકારી. પોલીસ પણ વિચારતી રહી કે, જાસૂસ આમ અચાનક ક્યાં ગુમ થઇ ગયો? પોલીસકર્મીઓએ અનેક રીતે જાસૂસની તપાસ કરી, તેના અનેક પરિચિતોને મળ્યા પણ તેનો ક્યાંય પતો ના લાગ્યો. બીજી તરફ કોર્ટે આપેલી ફાંસીની સજાનો સમય નજીક આવી રહ્યો હતો.
પોલીસ અધિકારીઓને હતુ કે, કદાચ આરોપીને ફાંસી અપાશે ત્યારે જાસૂસ ક્યાંકથી આવી જશે કારણ એક વૃધ્ધ દંપતિના હત્યારાને તેણે પકડ્યો છે અને એક નિર્દોષને ફાંસી પર ચડતા બચાવ્યો પણ છે. ફાંસીનો દિવસ આવ્યો પોલીસ અને કોર્ટના કર્મચારી પણ વારંવાર બારણા તરફ જોઈ રહ્યાં હતા કે કદાચ પેલો જાસૂસ આવી જાય…! પણ એવું ના થયું. ફાંસીનો સમય નિશ્ચિત હતો માટે ગુનેગારને ફાંસીના માચડે લટકાવી દેવાયો અને તમામ સરકારી પ્રથાને અનુસરી પૂર્ણ કરી દેવાઈ.
આ વાતને વર્ષો વિતી ગયા. હવે આ કેસ બન્યો ત્યારના પોલીસ અધિકારી પણ નિવૃત થઈ ગયા હતા. આ નિવૃત થયેલા પોલીસ અધિકારી એક દિવસ સવારે પોતાના બંગલાના ગાર્ડનમાં બેસી ચા પીતા-પીતા આગલા દિવસે આવેલી ટપાલો વાંચી રહ્યાં હતા. આ ટપાલો વચ્ચે એક જાણીતા અક્ષર વાળો પત્ર તેમની નજરે પડ્યો. તેમણે ટેબલ પર પડેલી બીજી ટપાલો ખસેડી વચ્ચેથી આ જાણીતા અક્ષર વાળી ટપાલ ઉપાડી. એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં ટપાલ. ખુલ્લા ગાર્ડનમાં પરોઢિયાનો તડકો અને મંદમંદ વાતા પવન વચ્ચે પોલીસ અધિકારીએ પગ પર પગ ચડાવી પત્ર વાંચવાની શરૂઆત કરી.
પત્રમાં લખ્યુ હતુ, “નમસ્કાર સાહેબ. હું વર્ષો પહેલાં આપના સંપર્કમાં હતો. આપણા સંબંધો સારા હતા. તે સમયે મેં પોલીસ અને ન્યાય તંત્રને મદદરૂપ થાય તેવા ડિટેક્શન કર્યા હતા”. આટલું વાંચતા જ પોલીસ અધિકારી થોડા અક્કડ થયા અને બીજા હાથમાં પકડી રાખેલો ચા નો કપ નીચે મુકી, પગ પર ચડાવેલો બીજો પગ પણ નીચે ઉતારતા બન્ને હાથે પત્રને વ્યવસ્થિત પકડી આગળ વાંચવાનું ચાલુ કર્યુ. પત્રમાં આગળ લખ્યુ હતુ, “તમને કદાચ યાદ હશે કે થોડા વર્ષો પહેલાં આપના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વૃધ્ધ દંપતિની ઘાતકી હત્યા કરી લૂંટ થઈ હતી. તેનો આરોપી તમે પકડ્યો હતો. બાદમાં એક જાસૂસ તરીકે હું તમારી પાસે આવ્યો અને તમે પકડેલો આરોપી નિર્દોષ હોવાનું કહી મેં એક જાસૂસ તરીકે ફરી ઈન્વેસ્ટિગેશન કર્યુ હતુ. મેં જ્યારે ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યુ ત્યારે જેમ જેમ પુરાવા મળતા ગયાં તેમ તેમ મારી વેદના વધવા લાગી હતી. હું તે સમયે કોઈ નિર્દોષને ફાંસીના માચડે ચડવા દઈ શકતો હતો પરંતુ તેવું કરીને મારે કુદરતાના અપરાધી નહોતુ બનવું.” આટલું વાંચતા જ નિવૃત પોલીસ અધિકારી જાણે વધુ ગંભીર બન્યા. ટપાલને થોડીક વધુ નજીક લાવતા આગળ વાંચવાનું શરૂ કર્યું.
પત્રમાં આગળ લખ્યુ હતુ, “મને જે પુરાવા મળ્યા તેના પર મેં ખાનગીમાં બે વાર તથ્યો તપાસ્યા. હું સતત વિચારતો હતો કે, ભગવાન કરે કે આ પુરાવા ખોટા નિકળે. આવો વિચાર મને મારા ડિટેક્ટિવ તરીકેના જીવનકાળમાં પહેલીવાર આવ્યો હતો. પરંતુ. કુદરતે આ વખતે પણ મારા કરતા મારા પ્રોફેશનને વધુ આશિર્વાદ આપ્યા અને મારા તમામ પુરાવા સાચા નિકળ્યાં. જેના આધારે મેં આરોપીને પકડી તમને સોંપ્યો હતો. તમને બરોબર યાદ હશે કે તે આરોપીને પકડીને તમે નિર્દોષને છોડી મુક્યો હતો. જ્યારે પકડાયેલા આરોપી વિરૂધ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો અને તેને ફાંસીની સજા મળી. બસ તે જ દિવસથી હું જાહેર જીવન છોડી ગુમનામ દુનિયામાં જતો રહ્યો છું. તે મારી જિંદગીનો આખરી કેસ હતો. હવે હું એ જગ્યાએ રહું છુ જ્યાં મને કોઈ ઓળખતુ નથી. જીવન પણ સંધ્યાકાળે પહોંચી ગયું છે. એક વેદના સાથે જીવાય ગયુ પણ મરવું નહોતુ માટે પત્ર લખ્યો છે. હું મારી એ વેદના આજે આપને કહું છું. મેં જે આરોપી આપને સોંપ્યો હતો અને કોર્ટે જેને ફાંસીએ ચડાવ્યો તે મારો એકનો એક દીકરો હતો… લી. હેનરી લાતુર
આ સત્ય ઘટના વર્ષો જૂની છે અને ફ્રાન્સમાં બની હતી. હેનરી લાતુર ફ્રાન્સના જાણીતા પોલીસ ડિટેક્ટિવ હતા.
Published On - 11:26 am, Tue, 29 November 22