દાહોદ : નકલી કચેરીના કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂર્વ IAS અધિકારીની સંડોવણી આવી સામે
પૂર્વ IASએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો. આ ઉપરાંત સરકારી નોકરીના અંતિમ દિવસે નિનામાએ 8 કલાકમાં 10 કરોડના 46 કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી. આરોપો સાબિત થતાં પૂર્વ IASની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદના નકલી કચેરીના અસલી કૌભાંડ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતની પૂછપરછમાં, પૂર્વ IAS બી.ડી.નિનામાની સંડોવણી સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નિનામાએ સત્તાના જોરે કાગળ પર 6 કચેરીઓ ઉભી કરીને માત્ર 4 વર્ષમાં 18.59 કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો હતો.
આ ઉપરાંત સરકારી નોકરીના અંતિમ દિવસે નિનામાએ 8 કલાકમાં 10 કરોડના 46 કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી. આરોપો સાબિત થતાં પૂર્વ IAS નિનામાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કૌભાંડી પૂર્વ IAS બી.ડી.નિનામા વર્ષ 2013ની બેચના પૂર્વ IAS અધિકારી છે. નિનામા વર્ગ-3ના કર્મચારી તરીકે ગુજરાત સરકારમાં જોડાયા હતા. GAS તરીકે બઢતી મળ્યા બાદ તેમને પ્રમોશન આપીને IAS બનાવાયા હતા અને વર્ષ 2019થી દાહોદ ખાતે પ્રાયોજન અધિકારી પદે નિમણૂક મળી હતી. તો પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડિસેમ્બર 2022 સુધી સેવા આપ્યા બાદ તાજેતરમાં જ તેઓએ VRS લીધુ હતું.
નિનામાની તપાસમાં સામે આવ્યું છે કે, નિનામાએ પોતાની સત્તાનો દૂરૂપયોગ કરીને રૂ.18.59 કરોડોના કૌભાંડને અંજામ આપ્યો હતો, પ્રાપ્ત વિગતો મુજબ 100 સરકારી કામોમાંથી 82 કામોને નિનામાએ જ મંજૂરી આપી હતી. 82માંથી 10 કરોડના 46 કામો એવા હતા. જેને માત્ર 8 કલાકમાં જ નિનામાએ મંજૂરીની મહોર મારી દીધી હતી. આ તમામ કામો કાગળ પર બનાવાયેલી કચેરીઓના નામે મંજૂર કરવામાં આવ્યા હતા.
હાલ નિનામા 6 દિવસના રિમાન્ડ પર છે. અધિકારીઓને શંકા છે કે કૌભાંડના તાર અન્ય શહેરોમાં પણ જોડાયેલા હોઇ શકે છે. તેથી તપાસનો ધમધમાટ અન્ય શહેરો સુધી લંબાઇ શકે છે.