દિલ્હીના પ્રખ્યાત નિક્કી મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ અને નિક્કીના લગ્ન ઓક્ટોબર 2020માં જ થઈ ગયા હતા. બન્નેએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા હોવાની માહિતી મળી રહી છે.
જોકે, બાદમાં સાહિલ તેના પિતાના દબાણ સામે ઝૂકી ગયો હતો અને નિક્કીથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ 9 ફેબ્રુઆરીએ મોકો મળતા જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ વાતનો ખુલાસો કર્યો છે.
દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે નિકીની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલા ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં સાહિલના પિતા વિરેન્દ્ર સિંહ ઉપરાંત પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ સામેલ હતા. આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે નિક્કીને મારવા નહોતો માંગતો, પરંતુ પિતાએ તેની સાથે સંબંધ તોડી નાખવાની ધમકી આપી હતી. આનાથી તે દબાણમાં આવી ગયો. આરોપી સાહિલે પણ જણાવ્યું કે તેણે નિક્કીને ઘણી વખત આ સંબંધ માંથી મુક્ત કરવા કહ્યુ હતુ, પરંતુ નિક્કી તેને કોઈ પણ સંજોગોમાં છોડવા તૈયાર નહોતી.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપી સાહિલે જણાવ્યું કે તે વર્ષ 2019થી નિક્કીની સાથે હતો. તેણે ઓક્ટોબર 2020 માં નોઈડાના આર્યસમાજ મંદિરમાં નિક્કી સાથે લગ્ન કર્યા અને ત્યારથી તે બંને ગ્રેટર નોઈડામાં એક ફ્લેટમાં રહેવા લાગ્યા. બંનેએ ગ્રેટર નોઈડાના ફ્લેટ માલિકને પતિ-પત્ની તરીકેની ઓળખાણ પણ આપી હતી.
પોતાની અસલી ઓળખ જણાવતા તેઓએ કહ્યું હતું કે બંને અહીં અભ્યાસ માટે રહેવા આવ્યા છે. આરોપી સાહિલ હાલ કોર્ટમાંથી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ ઘટના સંદર્ભે તેની પૂછપરછ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર નિક્કી મર્ડર કેસમાં સાહિલનો આખો પરિવાર જ નહીં પરંતુ તેના મિત્રો પણ સામેલ હતા. અગાઉ આ તમામ લોકો નિક્કીને સાહિલથી અલગ કરવા માટે અન્ય રીતો અપનાવતા હતા. જ્યારે તે સફળ ન થયો, ત્યારે સાહિલના પિતાએ તેને કોઈપણ ભોગે અલગ કરવા અને પરંપરાગત રીતરિવાજો અનુસાર બીજી છોકરી સાથે લગ્ન કરવા દબાણ કર્યું.
જોકે સાહિલ પણ આ માટે તૈયાર નહોતો. ઘટનાની રાત્રે તે નિક્કીને બહાને કાશ્મીરી ગેટ પાસે લઈ ગયો હતો. રસ્તામાં તેણે નિકીને ખૂબ સમજાવવાની કોશિશ કરી. પરંતુ નિક્કીએ ઝઘડો શરૂ કર્યો. તે કહેતી હતી કે કોઈ બે વાર લગ્ન નથી કરતું અને તેણે પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. બીજો કોઈ રસ્તો ન જોઈ સાહિલે મોબાઈલના ચાર્જર વડે જ તેનું ગળું દબાવી દીધું.