અમદાવાદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. લકઝુરિયસ ગાડીઓ ખરીદી શકે તેટલી કરોડોની સંપત્તિ ધરાવતા હિતેષ જૈન નામનો આરોપી મોજશોખ માટે એક્ટિવા ચોરી કરતો હતો. આરોપી હિતેષ દરરોજની એક એક્ટિવા ચોરી કરતો હતો અને ચોરીના એક્ટિવાથી અલગ અલગ જગ્યા ફરતો હતો. જે બાદ એક્ટિવાનું પેટ્રોલ પૂરું થઈ જતાં તે બિનવારસી મૂકીને જતો રહેતો હતો.
આ પ્રકારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી આશરે 150 જેટલા એક્ટિવાની ચોરી કરી ચૂક્યો છે. એક્ટિવા ચોરીના આંકડા વધતા ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે તપાસ કરતાં આરોપી ચોરીની એક્ટિવા સાથે પીરાણા પાસેથી ઝડપાયો હતો. ત્યાર બાદ તેની પૂછપરછમાં તેણે ત્રણ મહિનામાં આશરે 70 જેટલા એક્ટિવા ચોરી કરીને અમુક એક્ટિવા પીરાણા પાસે ખુલ્લા મેદાન મૂકી રાખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી ચોરીના 20 એક્ટિવા કબજે કર્યા છે.
પકડાયેલ આરોપી હિતેષ જૈન 9 વર્ષ પહેલાં સામાન્ય જીવન જવતો હતો. નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેની પાસે શાહીબાગમાં કરોડોના બે ફ્લેટ પણ છે. તેની પાસે ગાડીઓ પણ છે, પરંતુ 2016માં પતિ-પત્ની વચ્ચે મનભેદ થયા અને તેનો ઘર સંસાર વિખેરાયો અને કરોડપતિ એવા હિતેષે ગુનેગાર બનવાનો માર્ગ અપનાવ્યો. આરોપી હિતેષે શરૂઆતમા એક એક્ટિવાની ચોરી કરી અને આ ચોરી તેની માટે નશો બની ગયો હોય તેમ ઉપરા છાપરી અત્યાર સુધી અસંખ્ય એક્ટિવાઓ ચોરી કરી.
એક્ટિવા ચોરી કરવી સરળ હોવાથી હિતેષ ફક્ત એક્ટિવાને ટાર્ગેટ કરતો હતો અને 9 વર્ષમાં રીઢો એક્ટિવા ચોર બની ગયો. તે ડુપ્લીકેટ ચાવીના આધારે એક્ટિવા શરૂ કરી લઈ જતો હતો. જો કે, એક્ટિવાની ચાવીના લોક ખરાબ થઈ ગયા હોય તેવા એક્ટિવા વધુ પસંદ કરતો હતો. આમ શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલા એક્ટિવાની ચોરી કરતો હતો. મોટાભાગના પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેષ વિરુદ્ધ એક્ટિવા ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
પોલીસ તપાસમાં આરોપી હિતેષે સેટેલાઇટ, ચાંદખેડા, સાબરમતી, નવરંગપુરા અને રાણીપ વિસ્તારમાં સૌથી વધુ એક્ટિવા ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે હિતેષ એકલો એક્ટિવા ચોરી કરતો હતો કે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો કબૂતરબાજી મામલે CIDની તપાસમાં થયા વધુ ખુલાસા, ઇન્વેસ્ટર સામેલ હોવાનું ખુલ્યું
Published On - 9:34 pm, Thu, 4 January 24