JioMart સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરનારા ગઠિયાઓને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા
થોડા દિવસો પહેલા જીઓ માર્ટ સાથે એક કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા છેતરપિંડી કરનારા આરોપીઓની શોધ ખોળ હાથ ધરાઇ હતી
અમદાવાદ સાયબર ક્રાઇમ માં થોડા દિવસો પહેલા જીઓ માર્ટ સાથે એક કરોડ થી વધુ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા છેતરપિંડી કરનારા આરોપીઓની શોધ ખોળ હાથ ધરાઇ હતી જેમાં સાયબર ક્રાઇમ એ અમદાવાદના મેમનગરના અમિત કારિયા અને વડોદરાના ભાવિન જીવાણી નામના આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે બંને આરોપીઓ પાસેથી 36 સીમકાર્ડ, 12 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ, રાઉટર, ક્રેડિટ કાર્ડ સહિત 43,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રેડિટ કાર્ડથી કરતા છેતરપિંડી
સાયબર ક્રાઇમે અમિત કારિયા અને ભાવિન જીવાણીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આરોપીઓ એક્સિસ બેન્કના magnus ક્રેડિટ કાર્ડ દ્વારા રિલાયન્સ અને એમેઝોન કંપની સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. એક્સિસ બેન્કના magnus ક્રેડિટ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના નામે ખરીદી કરી જીયો શોપિંગ એપ મારફતે એક્સિસ બેન્ક magnus ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી વસ્તુ મંગાવવામાં આવતી હતી.
આ રીતે કરી છેતરપિંડી
વસ્તુનો ઓર્ડર આપ્યા બાદ તે ડિલિવરી થાય તે પહેલાં જ ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવતો હતો. ઓર્ડર કેન્સલ થતાં જ બેંક દ્વારા કેન્સલ થયેલી વસ્તુ માટે એક્સિસ બેન્કના magnus ક્રેડિટ કાર્ડ દ્વારા રિવર્ડ પોઇન્ટ આપવામાં આવતા હતા. આ રીવર્ડ પોઈન્ટને આરોપીઓ ગિફ્ટકાર્ડ મારફતે શોપિંગ વેબસાઈટ પરથી સોનાના સિક્કાની ખરીદી કરતા હતા. જે સોનાના સિક્કાઓ સગા સંબંધીઓ અને મિત્રોના સરનામા પર ડિલિવરી કરાવતા હતા. બાદમાં જે જગ્યાએ સોનાનો ભાવ વધુ હોય ત્યાં જઈને સોનાના સિક્કાનું વેચાણ કરતા હતા. આરોપીઓએ જીઓ શોપિંગ માર્ટમાં 100 કરોડથી પણ વધુની રકમના ટ્રાન્જેક્શન કરી એક કરોડથી વધુ રકમની જીઓ માર્ટ સાથે છેતરપિંડી કરી છે.
સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી ફરિયાદ
પકડાયેલા આરોપીઓ અમદાવાદ, વડોદરા, વેસ્ટ બંગાળ જેવા વિવિધ રાજ્યો અને શહેરોના લોકો સાથે સંપર્કમાં રહી છેલ્લા આઠ મહિનાથી આ ગુનાહિત પ્રવૃત્તિ હાજરી રહ્યા હતા. મહત્વનું છે કે જીઓ માર્ટને સમગ્ર ઘટનાનો ખ્યાલ આવતા તેણે તપાસ કરી હતી અને આખરે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાઇબર ક્રાઈમની તપાસમાં એક્સિસ બેન્કનાં magnus ક્રેડિટ કાર્ડ માંથી રિવર્ડ અપાતા હોવાની ખામી સામે આવી હતી. જેથી સાઇબર ક્રાઈમ દ્વારા એક્સિસ બેન્કને પણ તેની ખામી વિશે જાણ કરવામાં આવશે.
હાલ તો સમગ્ર છેતરપિંડીની ફરિયાદ પરથી અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે આ કેસમાં વધુ કોઈ આરોપીઓ સંડોવાયલે છે કે કેમ અથવા તો આ બંને આરોપીઓએ અન્ય કોઈ કંપનીઓ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરી છે.