તમે 30 દિવસ સુધી UPI નો વપરાશ કરવાનું બંધ કરી દો તો શું થાય ? તમારા કેટલા પૈસા બચે ?
આજકાલ, લગભગ દરેક વ્યક્તિ UPI નો કોઈને કોઈ પ્રકારે ઉપયોગ કરે જ છે. જો કોઈ વ્યક્તિ એક માસ એટલે કે, 30 દિવસ સુધી UPI નો ઉપયોગ કરવાનું બંધ કરી દે અને તેના બદલે તમામ ખર્ચ રોકડમાં જ કરે તો શું થાય ?

UPI હવે આપણા રોજબરોજના જીવનનો એક ભાગ બની ગયું છે. વિવિધ ફેરિયાથી લઈને મોલ-શો રૂમ સુધીમાં કરાતી ખરીદી કે પછી ચા, કોફી અને કરિયાણાથી લઈને કેબની સવારીમાં આપણે ઓનલાઇન અને ઓફલાઈન ખર્ચ કરીએ છીએ એટલું જ નહીં, હવે તો મોટાભાગના દરેક બિલની ચુકવણી કે નાના કે મોટા ખર્ચની ચૂકવણી પણ આપણે મોબાઇલની એપ ખોલીને ગણતરીની મિનીટમાં કરી નાખીએ છીએ. પરંતુ જો તમે 30 દિવસ સુધી UPI નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દો અને નાની-મોટી તમામ ખરીદી રોકડમાં કરો, તો શું થશે ? જો માત્ર 30 જ દિવસ તમારી ખર્ચ કરવાની આદતોમાં ફેરફાર કરો તો તમને એક ચોક્કસ રકમની બચત થઈ શકે છે?
રોકડમાં ખર્ચ કરતી વખતે વધુ સભાનતા
UPI દ્વારા ચૂકવણી કરતી વખતે, આપણને વાસ્તવિકમાં કેટલા રૂપિયા ખર્ચ કર્યા તેનો અહેસાસ ઓછો થાય છે. મોબાઇલમાં રહેલી એપ ઉપર ટેપ કરવાથી આપણે કરેલા ખર્ચની રકમ ત્વરીત ચૂકવાઈ જાય છે. પરંતુ આમ કરવામાં ઘણીવાર નાના ખર્ચ પર ધ્યાન જતું નથી. તેનાથી વિપરીત, રોકડમાં ચૂકવણી કરતી વખતે તમારે તમારા ખિસ્સામાંથી ચલણી નોટ કે ચલણી સિક્કા કાઢવા પડે છે. આનાથી તમે દરેક ખર્ચ પ્રત્યે વધુ સભાન બનો છો અને બિનજરૂરી ખરીદી પર અંકુશ મેળવવા માટે તમે સચેત થઈ જાવ છો.
દર મહિને કેટલા પૈસા બચાવી શકાય?
ધારો કે કોઈ વ્યક્તિ UPI દ્વારા દરરોજ સરેરાશ 100 એવા ખર્ચ પાછળ વાપરે છે, જેના પર તે બહુ ધ્યાન આપતા નથી. જેમ કે બહાર ચા કે કોફી, નાસ્તો, નાની ઓનલાઇન ખરીદી અથવા અન્ય નાના-મોટા ખર્ચ થકી તે દિવસમાં રૂપિયા 100 ખર્ચ કરે તો 30 દિવસમાં આ રકમ ₹3,000 સુધી પહોંચે છે.
હવે, જો તે જ વ્યક્તિ આખો મહિનો રોકડનો ઉપયોગ કરે અને ખર્ચ કરતા પહેલા બજેટ નક્કી કરે, તો તે તેના દૈનિક બિન-જરૂરી ખર્ચને ઘટાડીને ₹ 75 કરી શકે છે. પરિણામે, તેનો માસિક ખર્ચ આશરે ₹ 2250 થશે. આનો અર્થ એ છે કે ચુકવણીની પદ્ધતિમાં માત્ર એક સાધારણ ફેરફાર કરવાથી ₹750 ની બચત થાય છે. જો કે કેટલીક પરિસ્થિતિઓમાં, આ પ્રકારના ખર્ચમાંથી કરવામાં આવતી બચત વધુ હોઈ શકે છે.
શું દરેક વ્યક્તિ આટલા પૈસા બચાવી શકશે?
જો કે, બચતની રકમ વ્યક્તિ-વ્યક્તિએ અલગ-અલગ હોઈ શકે છે. માત્ર UPI નો ઉપયોગ બંધ કરવાથી આપમેળે બચતની ખાતરી મળતી નથી. વાસ્તવિક લાભ એ વાત પર નિર્ભર કરે છે કે વ્યક્તિ અગાઉ કેટલો ખર્ચ કરતી હતી અને રોકડનો ઉપયોગ કરતી વખતે તે પોતાની ખરીદી પર કેટલું નિયંત્રણ રાખે છે.
30 દિવસીય ‘કેશ ચેલેન્જ’ શા માટે અપનાવવી જોઈએ ?
30 દિવસ સુધી માત્ર રોકડનો ઉપયોગ કરીને ખર્ચ કરવાનો પ્રયોગ તમને એ સમજવામાં મદદ કરી શકે છે કે, તમારા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. વપરાયેલા રૂપિયા જરૂરી હતા કે બિનજરૂરી. ઓનલાઈન ખર્ચમાં એવા પણ કેટલાક નાના ખર્ચાઓ એવા હોય છે જે ઘણીવાર ધ્યાનમાં આવતા નથી. તમે મહિનાની શરૂઆતમાં એક નિશ્ચિત રકમ તમારી પાસે રાખી શકો છો અને તેને ખર્ચ કરવાની વિવિધ શ્રેણીઓ માટે ફાળવી શકો છો. મહિનાના અંતે બાકી રહેલી રકમનો સરવાળો કરીને ગણવાથી તમારી ખર્ચ કરવાની આદતો વિશે વધુ સારી સમજ મળે છે. જો કે, UPI નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જરૂરી નથી. તેનો ઉપયોગ હજુ પણ આવશ્યક બિલો, ઓનલાઇન ચૂકવણી અને એવી પરિસ્થિતિઓ માટે થઈ શકે છે, જ્યાં રોકડનો ઉપયોગ કરવો અનુકૂળ ન હોય. મુખ્ય ઉદ્દેશ્ય UPI નો ઉપયોગ બંધ કરવાનો નથી, પરંતુ ઘણીવાર ઓનલાઈન કરવામાં આવતા બિનજરૂરી નાના ખર્ચાઓ પર નિયંત્રણ મેળવવાનો છે.
