અદાણી જૂથની આ કંપનીના શેરના ભાવ 43 વધીને 969 એ રહ્યો બંધ, જાણો કારણ
લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સેગમેન્ટમાં અદાણી ટોટલ ગેસ, ગુજરાતના દહેજમાં તેનું પ્રથમ LNG રિટેલ આઉટલેટ વિકસાવી રહ્યું છે. આના દ્વારા દેશમાં વ્યૂહાત્મક સ્થળોએ એલએનજી સ્ટેશન નેટવર્ક સ્થાપિત કરવાની યોજના છે.

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે આજે 1 એપ્રિલે શેરબજારે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સમય દરમિયાન, શેરબજારના રોકાણકારો ગૌતમ અદાણીની કંપની, અદાણી ટોટલ ગેસના શેર ખરીદવા માટે તુટી પડ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ લગભગ 8 ટકાના ઉછાળા સાથે રૂ. 969ના સ્તરે પહોંચ્યો હતો. અદાણી ટોટલ ગેસના શેરનો અગાઉનો બંધ રૂ. 926.55 હતો. અદાણી ટોટલ ગેસના શેરમાં ઉછાળાનું કારણ કંપની સાથે જોડાયેલા એક પ્રોત્સાહક સમાચાર છે.
શું છે એ પ્રોત્સાહક સમાચાર
હકીકતમાં, અદાણી ટોટલની પેટાકંપની અદાણી ટોટલ એનર્જી બાયોમાસ લિમિટેડ એ, ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા સ્થિત તેના બરસાના બાયોગેસ પ્લાન્ટના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી દીધી છે. અદાણી ટોટલ ગેસે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બરસાના બાયોગેસ પ્રોજેક્ટમાં કુલ 3 તબક્કા છે અને તે 600 ટન પ્રતિ દિવસ ફીડસ્ટોકની કુલ ક્ષમતા હાંસલ કરશે. તેનાથી 42 ટન પ્રતિ દિવસ કોમ્પ્રેસ્ડ બાયો ગેસ અને 217 ટન પ્રતિ દિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થશે. બરસાના બાયોગેસ પ્લાન્ટ માટે પ્રોજેક્ટના ત્રણ તબક્કાનો ખર્ચ રૂ. 200 કરોડથી વધુ હશે. અદાણી ટોટલ એનર્જી બાયોમાસ લિમિટેડની આ પ્રથમ કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પાદન માટેની સુવિધા છે.
એલએનજી રિટેલ આઉટલેટ વિકસાવી રહ્યાં છે
દરમિયાન, લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સેગમેન્ટમાં, અદાણી ટોટલ ગેસ ગુજરાતના દહેજમાં તેનું પ્રથમ LNG રિટેલ આઉટલેટ વિકસાવી રહી છે. આના દ્વારા દેશમાં વ્યૂહાત્મક સ્થળોએ એલએનજી સ્ટેશન નેટવર્ક સ્થાપિત કરવાની યોજના છે.
વેન્ચુરા સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, આ આઉટલેટ જુલાઈ 2024 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. EV સેગમેન્ટમાં વધારાના 1050+ EV ચાર્જિંગ પોઈન્ટ નિર્માણાધીન છે. આ માટે ઘણા હિતધારકો સાથે ભાગીદારી કરવામાં આવી છે. કંપની શહેરોની સંખ્યા વધારીને 20 સુધી લઈ જવા અને પાછળથી 130 શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.