જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા નાણાકીય વર્ષ (Financial Year) 2020-21માં બજાર(Market)માંથી 58,700 કરોડનું રેકોર્ડ ભંડોળ એકત્ર કર્યું છે. બેંકોએ તેમના મૂડી આધારને મજબૂત કરવા દેવા અને ઇક્વિટીના રૂપમાં આ રકમ એકત્ર કરી છે. આ રકમમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) મારફતે બેન્ક ઓફ બરોડા, મુંબઈ દ્વારા ઉભા કરાયેલા રૂ 4,500 કરોડનો સમાવેશ થાય છે. પંજાબ નેશનલ બેંકે શેર વેચાણ દ્વારા રૂ. 3,788 કરોડ એકત્ર કર્યા છે.
આ સાથે બેંગલુરુની કેનેરા બેન્કે QIP માંથી 2,000 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી છે. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીના આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે QIPs ની સફળ શ્રેણી દર્શાવે છે કે સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોને સરકારી બેન્કો અને તેમની ક્ષમતામાં વિશ્વાસ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની 12 બેંકોએ ટિયર 1 અને ટિયર 2 બોન્ડમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ રીતે બજારમાંથી બેન્કો દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમ 58,697 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
બેંકોની સ્થિતિમાં સુધારો આવ્યો
સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંના કારણે જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ સુધરી છે. જાહેર ક્ષેત્રની બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) 31 માર્ચ, 2019 ના રોજ 7,39,541 કરોડ રૂપિયા હતી, જે 31 માર્ચ, 2020 ના રોજ ઘટીને 6,78,317 કરોડ રૂપિયા રહી હતી. 31 માર્ચ, 2021 ના રોજ (કામચલાઉ) વધુ ઘટીને 616616 કરોડ રૂપિયા થઇ હતી.
પાંચ વર્ષનો સૌથી વધુ નફો
જાહેર ક્ષેત્રની બેંકોએ 2020-21માં 31,816 કરોડનો નફો નોંધાવ્યો છે. આ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. જો કે, આ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Tokyo Olympics: ચહેરા પર 2 ઘા અને 13 ટાંકા હોવા છતાં પણ બોક્સિંગ રીંગમાં ઉતર્યો, સૈન્ય જવાન આ ભારતીય બોક્સર