શું આર્થિક રીતે પછાત વર્ગોને (economically backward classes – EWS) આપવામાં આવતી અનામતમાં આવક મર્યાદા ઘટાડીને 5 લાખ કરવામાં આવશે? જેનો લાભ લેતા અનેક ઉમેદવારોના મનમાં હાલમાં આ પ્રશ્ન ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં જો મર્યાદા ઘટશે તો આ નિર્ણયની શું અસર થઈ શકે છે.
સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામત માટે વાર્ષિક 8 લાખ રૂપિયા આવકની શરત છે, પરંતુ આ મર્યાદાને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને સરકાર દ્વારા તેનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને સરકારે તેના સૂચન માટે એક પેનલ પણ બનાવી છે. સવાલ એ થાય છે કે જો મર્યાદા ઘટાડવામાં આવે તો શું મોટી સંખ્યામાં લોકોને અસર થશે તો તેનો જવાબ કેટલીક પરીક્ષાઓના ડેટા પરથી મળે છે, જે મુજબ અનામતનો લાભ લેનારા મોટાભાગના લોકો પણ 5 લાખની મર્યાદાથી નીચે જ આવે છે.
આર્થિક રીતે પછાત વર્ગના મોટાભાગના લોકો જેમણે અત્યાર સુધીમાં આ 10% અનામતનો લાભ લીધો છે તે એવા છે જેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે. ડેટા અનુસાર 2020 નીટ પરીક્ષામાં EWS આરક્ષણનો લાભ લેનારા 91 ટકા લોકો એવા હતા જેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હતી, એટલું જ નહીં, 71 ટકા લોકો એવા હતા કે જેમની વાર્ષિક આવક તો 2 લાખથી ઓછી હતી.
2020ની JEE પરીક્ષામાં આ આરક્ષણનો લાભ લેનારા 95 ટકાથી વધુ લોકો એવા હતા, જેમની વાર્ષિક આવક 5-6 લાખ રૂપિયાની વચ્ચે હતી. આવો જ ટ્રેન્ડ સરકારી નોકરીઓમાં પણ જોવા મળ્યો છે. આ જ કારણ છે કે EWS અનામતનો લાભ આપવા માટે આવક મર્યાદા વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઘટાડીને 5 લાખ રૂપિયા કરવાની હિમાયત ચાલી રહી છે અને આ મુદ્દે આવતા મહિને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થવાની છે.
સરકારે આ મુદ્દાના તમામ પાસાઓ પર ચર્ચા કરવા માટે 3 સભ્યોની એક પેનલ પણ બનાવી છે, જે પોતાનો અભિપ્રાય આપશે અને સરકાર તે અભિપ્રાય સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકશે. હવે માત્ર સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે કે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવા માટે વાર્ષિક આવકનો આધાર ઘટાડવો કે 8 લાખ રૂપિયા જ રાખવો.