MONEY9: વિવિધ પ્રકારની મોંઘવારીનો બોજ સહન કરીને બેવડી વળી ગયેલી જનતાએ હવે વીજળીની મોંઘવારીના (Inflation) કરંટ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે વીજળીના ભાવમાં વીજળી વેગે વધારો થવાના સંકેત મળી રહ્યાં છે. ઈલેક્ટ્રિસિટી મોંઘી થવાની શરૂઆત દિલ્હી અને મહારાષ્ટ્રથી થઈ છે.
દિલ્હીમાં વીજળી થઈ 4% મોંઘી
દિલ્હીમાં જૂનથી પાવર પરચેઝ એગ્રીમેન્ટ કૉસ્ટ એટલે કે PPACમાં 4 ટકા વધારો થયો છે. આથી, દિલ્હીવાસીઓનું વીજળીનું બિલ હવે 4 ટકા વધીને જ આવશે.
મહારાષ્ટ્રમાં 20% વધારો
મહારાષ્ટ્રના લોકોએ જુલાઈ મહિનાથી વીજળી માટે 20 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે, કારણ કે, મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને પાવર યુટિલિટી કંપનીઓને ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લગાવવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રના આ નિર્ણયની અસર ટાટા પાવરના 7 લાખ, બેસ્ટના 10.5 લાખ, અદાણી ઈલેક્ટ્રિસિટીના 29 લાખ અને મહારાષ્ટ્ર વિદ્યુત બૉર્ડના 2.8 કરોડ ગ્રાહકો પર પડવાનું નક્કી છે.
ભાવ વધારવાની આઝાદી
હવે સવાલ એ થાય કે વીજ કંપનીઓને મનફાવે તેમ ભાવ વધારવાની આઝાદી કોણે આપી? તો તેનો જવાબ 2021ની 9 નવેમ્બરના વીજ મંત્રાલયના આદેશમાં છુપાયેલો છે. આ આદેશ મુજબ વીજ કંપનીઓ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે. છેલ્લા બે વર્ષથી મહામારીને કારણે ગ્રાહકો પર આ બોજ આવતો નહોતો.
આયાતી કોલસાએ વધાર્યો ખર્ચ
તાજેતરમાં જ પાવર મિનિસ્ટર આર.કે. સિંહે ટિપ્પણી કરી હતી કે આયાતી કોલસાને કારણે ખર્ચમાં વધારો થયો છે અને તેમાંથી ઉત્પન્ન થતી વીજળીના ભાવ પ્રતિ યુનિટ 60થી 70 પૈસા વધી જશે. સ્થાનિક બજારમાં એક ટન કોલસો 2,000 રૂપિયામાં મળે છે, પરંતુ આયાત થતો કોલસો ખરીદવા માટે પ્રતિ ટન 17,000થી 18,000 રૂપિયા ચૂકવવા પડે છે. હવે, વીજ મથકોમાં સ્થાનિક કોલસાની સાથે સાથે આયાતી કોલસો પણ ઉપયોગમાં લેવાશે, એટલે તેમાંથી જે વીજળી ઉત્પન્ન થશે તે મોંઘી જ હશે.
વીજળીનું માર્કેટ વેરવિખેર
વાસ્તવમાં તો ભારતનું વીજળીનું માર્કેટ અને વીજળીનું ગણિત વેરવિખેર થયેલું છે. ચાલુ વર્ષના જૂન સુધીના આંકડા દર્શાવે છે કે વીજ ઉત્પાદકોએ વીજ વિતરણ કંપનીઓ પાસેથી જે વસૂલી કરવાની નીકળે છે, તે રકમ 4 ટકા વધીને 1,32,432 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
કોલસાનું ઉત્પાદન
દેશમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે સરકારી કંપની કોલ ઈન્ડિયા પ્રયાસ કરી રહી છે. કંપનીએ એપ્રિલથી જૂનમાં કોલસાના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 29 ટકા વૃદ્ધિ પણ કરી છે. પરંતુ કોલસાના આટલા બધા ઉત્પાદન છતાં વીજળીની માંગમાં જે વૃદ્ધિ છે તેને પહોંચી વળવું શક્ય નથી એટલે ભારતે નાછુટકે પણ મોંઘો આયાતી કોલસો મંગાવવો પડે છે. ઓછામાં પૂરું આખી દુનિયામાં કોલસાના ભાવમાં તોતિંગ વધારો થયો છે અને તેવા સમયે જ આપણે કોલસો આયાત કરવાનો વારો આવ્યો છે.
ઈલેક્ટ્રિસિટી એક્ટ
તો સરકાર આ સ્થિતિ સુધારવા માટે ચોમાસુ સત્રમાં ઈલેક્ટ્રિસિટી (અમેન્ડમેન્ટ) બિલ, 2022 લાવવા માંગે છે. આ બિલ પણ વિવાદમાં સપડાયેલું છે. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને સરકારને ભલામણ કરી છે કે આ બિલ પસાર કરવામાં સરકાર ઉતાવળ ના કરે. ફેડરેશનની દલીલ છે કે સરકાર આ બિલ દ્વારા વીજ સેક્ટરમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માંગે છે.
શું વીજળીનું બિલ ઓછું થશે?
હવે એ જોવાનું રહ્યું કે શું સરકાર આ ચોમાસુ સત્રમાં વીજ સુધારા ખરડો પસાર કરી શકે છે કે નહીં અને શું આ ખરડાથી વીજ ઉદ્યોગને કનડતી સમસ્યાઓનો છેદ ઉડે છે કે નહીં. પરંતુ તેનાથી પણ મોટો સવાલ તો એ છે કે શું આગામી દિવસોમાં વીજળીનું બિલ ઓછું થશે? કે જનતાએ મોંઘી વીજળીના કરન્ટ ખાવા માટે તૈયાર રહેવું પડશે?