હાલમાં દેશમાં ટામેટાથી (Tomato Price) લઈને તમામ શાકભાજીના ભાવ આસમાને છે. સાથે જ અનાજ અને કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની ખાદ્ય વસ્તુઓના ભાવ તેની રેકોર્ડ ઉંચાઈ પર છે. તેથી આ સમયે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે નાણા મંત્રાલયનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે લોકોની ચિંતામાં વધારો કરનારો છે. નાણા મંત્રાલયે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે આવનારા દિવસોમાં સામાન્ય લોકોને મોંઘવારીથી (Inflation) રાહત મળશે નહીં.
નાણા મંત્રાલયે તેની વાર્ષિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPIમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર છૂટક મોંઘવારી પર ખૂબ જ ધીમી ગતિએ જોવા મળી રહી છે. આ સિવાય અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે. આ કારણોસર ગ્રાહકોની સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે. મંત્રાલયે કહ્યું કે લોનની ડિમાન્ડ પર મોરેટોરિયમ પોલિસીની ધીમી અસર મોંધવારી ઘટાડી શકે છે.
મે મહિનામાં રિટેલ ફુગાવો ઘટીને 25 મહિનાના નીચલા સ્તરે 4.25% પર આવી ગયો છે. જથ્થાબંધ અને છૂટક આંકડાઓ વચ્ચેનું અંતર હજુ પણ વધારે છે. ક્રુડ ઓઈલ, ધાતુઓ અને કુદરતી ગેસના ભાવમાં ઘટાડાને કારણે મે મહિનામાં ભારતનો જથ્થાબંધ ફુગાવો ઘટીને 3.48 ટકા થયો હતો. ડેટા અનુસાર ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે અને સાથે જ મસાલાના ભાવ પર પણ અસર જોવા મળી છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે તેથી અલ નીનોની અસર સામાન્ય રીતે બજારો માટે ચિંતાજનક બની શકે છે. નાણા મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ અને અલ નીનોની અસરને કારણે નાણાકીય વર્ષ 2024ની વૃદ્ધિમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. આ સાથે જ રિપોર્ટમાં રાજકીય તણાવ, વર્લ્ડ ઈકોનોમીમાં વધતી અસ્થિરતા, દુનિયાના શેરબજારોમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : અમેરિકા, જાપાનથી લઈને રશિયા અને તાઈવાન સુધી દરેક દેશ ભારતમાં રોકાણ કરશે, સરકારે શોધી કાઢ્યો રસ્તો
કેન્દ્ર સરકારને તુવેર, અડદ અને ઘઉં પર સ્ટોક મર્યાદા લાદવાની તેમજ 2024ના મધ્ય સુધી ખાંડની નિકાસ પર મર્યાદા લાદવાની ફરજ પડી છે. રોઇટર્સે સરકારી ડેટાને ધ્યાને લઈને અહેવાલ આપ્યો હતો કે, સામાન્ય કરતાં ઓછા પ્રમાણમાં ચોમાસાને કારણે ઉનાળામાં ચોખાની વાવણીમાં 26% નો ઘટાડો થયો હતો. તેથી માગ અને પુરવઠાની અસરથી ભાવમાં વધારો થયો છે.
Published On - 6:07 pm, Thu, 6 July 23