છેલ્લા થોડા દિવસોમાં સરકાર દ્વારા 9 વર્ષ જૂનો રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ પાછો ખેંચવાનો મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટેક્સને લઈને સરકારનો કેયર્ન એનર્જી અને વોડાફોન સાથે હજારો કરોડ રૂપિયાનો વિવાદ છે. નવી મળેલી માહિતી અનુસાર ભારત સરકારે યુએસ કોર્ટને બ્રિટનની કંપની કેયર્ન એનર્જીનો કેસ રદ કરવા કહ્યું છે, જેમાં આ કંપનીઓએ ભારત સરકાર પાસેથી 1.2 અબજ ડોલર વસૂલ કરવા માટેની અપીલ કરી હતી.
મે 2021માં કેયર્ન એનર્જીએ યુએસ ફેડરલ કોર્ટમાં અપીલ દાખલ કરીને એર ઈન્ડિયાને 1.26 અબજ ડોલરના સરકારી લેણાં પરત કરવા જણાવ્યું હતું. આવું ન કરવા બદલ એર ઈન્ડિયાની સંપત્તિ જપ્ત કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ડિસેમ્બર 2020માં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન દ્વારા રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ વિવાદમાં કેયર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. 13મી ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા કેયર્નની આ અરજીને ફગાવી દેવા માટે મોશન ઓફ ડીસમીસ માટેનો પ્રસ્તાવ દાખલ કર્યો હતો. સરકારે આ દરખાસ્ત કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકી.
ટેક્સ વિભાગ દ્વારા 50 વર્ષ જૂનો બેકલોક ટેક્સ વસુલ કરી શકાયો હોત
રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ એક્ટ દ્વારા ભારતને એ સત્તા આપવામાં આવી હતી કે આ કાયદાનો ઉપયોગ કરીને કોઈ પણ કંપની પર 50 વર્ષના જૂના બેકલોકને ધ્યાનમાં રાખીને કેપિટલ ગેઈન પર ટેક્સ વસૂલી શક્શે. આ કાયદાને કારણે કેયર્ન એનર્જી સાથે વિવાદ શરૂ થયો. આ ટેક્સની મદદથી સરકાર દ્વારા 17 કંપનીઓ પાસેથી કુલ 1.10 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે એકઠા કરવામાં આવ્યા હતા. આમાં, કેયર્ન પાસેથી કરવામાં આવેલા કલેક્શનનો આંકડો 10,247 કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો.
ટૂંક સમયમાં નિયમો બનાવશે સરકાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister)કહ્યું કે રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ (Retrospective tax)ની માંગ કરતી જોગવાઈઓને નાબૂદ કરવાના નિયમો ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદાને કારણે કેયર્ન એનર્જી (Cairn Energy) અને વોડાફોન પીએલસી (Vodafone PLC) પાસેથી કરોડો રૂપિયાના ટેક્સની માંગ કરવામાં આવી હતી. સંસદે આ મહિનાની શરૂઆતમાં સુધારા કાયદો પસાર કર્યો હતો અને 2012ની રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ સાથે જોડાયેલી જોગવાઈઓને રદ કરવામાં આવી હતી.