દેશનું સર્વિસ સેક્ટર આગામી કેટલાક વર્ષોમાં રેકોર્ડ બનાવી શકે છે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ ઉપરાંત 83.78 લાખ કરોડ રૂપિયાની યોજના પણ બનાવવામાં આવી છે. હકીકતમાં સરકારે વર્ષ 2030 સુધીમાં નિકાસનું લક્ષ્ય 1 ટ્રિલિયન ડોલર એટલે કે રૂપિયા 83.78 લાખ કરોડ નક્કી કર્યું છે. આ લક્ષ્ય એવા સમયે નિર્ધારિત કરવામાં આવ્યું છે, જ્યારે ઓગસ્ટ મહિનામાં દેશની નિકાસ સતત બીજા મહિને ઘટી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે સરકાર દ્વારા કેવા પ્રકારની યોજના બનાવવામાં આવી છે?
દેશમાંથી સર્વિસ સેક્ટરની નિકાસ વધારવા માટે વાણિજ્ય મંત્રાલય 12 મુખ્ય ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવાનું આયોજન કરી રહ્યું છે. આનાથી નિકાસના એકંદર આંકડામાં સુધારો કરવામાં મદદ મળવાની અપેક્ષા છે.
વાતચીતમાં આનો ઉલ્લેખ કરતા વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે, ભારત સેવા ક્ષેત્રમાં ‘ખૂબ જ’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું, ‘અમે 12 ચેમ્પિયન (પ્રમુખ) સર્વિસ સેક્ટર્સની ઓળખ કરી છે અને અમે તેના પર વધુ સંકલિત રીતે ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે વિચારી રહ્યા છીએ કે અન્ય મંત્રાલયો સાથે સહયોગ કરીને વિવિધ સેવાઓ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું.
સેવા નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઓળખવામાં આવેલા ક્ષેત્રોમાં માહિતી ટેકનોલોજી (IT), પ્રવાસન, આરોગ્યસંભાળ, શિક્ષણ, પરિવહન, એકાઉન્ટિંગ અને બાંધકામ અને સંબંધિત એન્જિનિયરિંગ સેવાઓનો સમાવેશ થાય છે. બર્થવાલે કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં એક ટ્રિલિયન ડોલરના માલસામાન અને સેવાઓની નિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ હાંસલ કરવામાં સેવાની નિકાસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, વૈશ્વિક સંઘર્ષો આ ક્ષેત્રને એટલી અસર કરતા નથી જેટલી તે માલસામાનને અસર કરે છે. હકીકતમાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશની કોમોડિટી નિકાસ પર નકારાત્મક અસર થઈ રહી છે.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે ઓગસ્ટમાં દેશની નિકાસમાં 13 મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન નિકાસ 9.3 ટકા ઘટીને $34.71 અબજ થઈ હતી જ્યારે વેપાર ખાધ $29.65 અબજના 10 મહિનાના સર્વોચ્ચ સ્તરે વધી હતી.
વાણિજ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર સોના અને ચાંદીની આયાતમાં નોંધપાત્ર ઉછાળાને કારણે દેશની આયાત 3.3 ટકા વધીને $64.36 અબજની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે.
દેશની વેપાર ખાધ, આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત ઓક્ટોબર 2023માં $30.43 બિલિયન હતો. તેમજ આ વર્ષે જુલાઈમાં દેશની વેપારી નિકાસમાં 1.5 ટકાનો ઘટાડો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં (એપ્રિલ-ઓગસ્ટ) દેશની નિકાસ 1.14 ટકા વધીને $178.68 અબજ થઈ છે.
જ્યારે આ સમયગાળા દરમિયાન આયાત સાત ટકા વધીને $295.32 અબજ થઈ છે. આમ એપ્રિલ-ઓગસ્ટ 2024ના સમયગાળામાં દેશની વેપાર ખાધ $116.64 બિલિયન હતી. જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે $99.16 બિલિયન હતી.