CBIએ હવે ICICI બેંક કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ ચાર્જશીટમાં ઘણા અનોખા ખુલાસા કર્યા છે. સીબીઆઈએ જણાવ્યું છે કે બેંકના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરે કેવી રીતે પોતાના પદનો ફાયદો ઉઠાવ્યો. નિયમોને નેવે મુકીને વીડિયોકોન ગ્રુપને કેવી રીતે લોનની સુવિધા આપવામાં આવી અને તેના બદલામાં તેના પતિ દીપક કોચરના નામે તેનો લાભ લેવામાં આવ્યો. વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતનો રૂ. 5.25 કરોડનો ફ્લેટ માત્ર રૂ. 11 લાખમાં કેવી રીતે મળ્યો?
આ પણ વાંચો : ICICI-Videocon Case : ચંદા કોચર અને તેના પતિ મુંબઈ જેલમાંથી મુક્ત, કોર્ટે મંજૂર કર્યા જામીન
સીબીઆઈએ તેની લાંબી તપાસ બાદ હાલમાં જ સ્પેશિયલ કોર્ટમાં 10,000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. કોચર અને ધૂત હાલમાં જામીન પર બહાર છે.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચંદા કોચર મે 2009માં ICICI બેંકના MD અને CEO બન્યા હતા. આ પદ પર હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રૂપને રૂપિયાની ટર્મ લોન (RTLs) ફાળવી હતી. જૂન 2009 થી ઓક્ટોબર 2022 ની વચ્ચે વીડિયોકોન ગ્રુપને કુલ રૂ. 1,875 કરોડની લોન ફાળવવામાં આવી હતી.
ચંદા કોચર બે સભ્યોની ડિરેક્ટર્સ કમિટીના અધ્યક્ષ હતા જેણે RTL ફાળવ્યું હતું. ઑગસ્ટ 2009માં તેણે પહેલીવાર વીડિયોકોન ગ્રુપને 300 કરોડની લોન આપી હતી. તે સિનિયર મેનેજર્સ કમિટી અને ક્રેડિટ કમિટીના સભ્ય પણ હતા. તેના દ્વારા બેંકે વીડિયોકોન ગ્રુપને 750 કરોડ રૂપિયાની બીજી લોન આપી. આ પછી, 2012 માં, તે બેંકની અન્ય ઘણી સમિતિઓની સભ્ય હતી અને બેંક દ્વારા વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને ઘણી વધુ લોન આપવામાં આવી હતી.
બાદમાં જૂન 2017માં ખબર પડી કે ICICI બેંક દ્વારા વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી તમામ લોન NPA એટલે કે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ બની ગઈ છે. આ સમગ્ર આંકડો લગભગ રૂ. 1,033 કરોડ હતો. ICII બેંકને લોનની સાથે તેના પર મળતા વ્યાજની સાથે નુકસાન પણ થયું હતું.
સીબીઆઈનું કહેવું છે કે જ્યારે ચંદા કોચરને આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે ડિસેમ્બર 2008માં કોચર દંપતી અને વેણુગોપાલ ધૂતે સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો. આ પછી બેંકમાંથી સતત લોન પાસ થતી રહી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર મુંબઈમાં વીડિયોકોન ગ્રુપના ફ્લેટમાં રહેતા હતા. આ ફ્લેટ ઓક્ટોબર 2016માં ચંદા કોચરના ફેમિલી ટ્રસ્ટને માત્ર રૂ. 11 લાખમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યારે તેની મૂળ કિંમત રૂ. 5.25 કરોડ હતી. દીપક કોચર ફેમિલી ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી હતા.
એટલું જ નહીં, ચંદા કોચરે ધૂત પાસેથી અયોગ્ય રીતે 64 કરોડ રૂપિયા લીધા અને પોતાના અંગત ઉપયોગ માટે બેંકના ફંડનો દુરુપયોગ કર્યો. બીજી તરફ દીપક કોચરે તેની પત્ની મારફતે અન્ય લોકો સાથે મળીને ICICI બેંકમાંથી વીડિયોકોન ગ્રુપને લોન પાસ કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. દીપક કોચર દ્વારા સંચાલિત અન્ય કંપની ન્યુપાવર રિન્યુએબલ્સ તેમજ સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઈન્ટરનેશનલ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યું છે.