ITR Refund Status : બધાનું ITR રિફંડ આવી ગયું તમારું નથી આવ્યું ? જાણો સ્ટેટસ ચેક કરવાની સરળ રીત
ઇન્કમ ટેક્સ વિભાગે 'ટેક્સ રિફંડ' પ્રક્રિયાને ઝડપી બનાવી છે. હવે ટેક્સપેયર્સને થોડા કલાકોમાં જ રિફંડ મળી રહ્યું છે. જો તમે એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું છે અને હવે રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો તમે સરળતાથી તેનું સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકો છો.
આ વખતે આવકવેરા વિભાગ દ્વારા તમામ ITR ફોર્મમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ કારણોસર જ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ દરમિયાન, ઘણા લોકોએ તેમના ITR ફાઇલ કર્યા છે અને હવે તેમના રિફંડ (ITR રિફંડ) ની રાહ જોઈ રહ્યા છે. જો કે, હવે મોટાભાગના લોકો જાણવા માંગે છે કે આનું રિફંડ ક્યારે આવશે?
ક્યારે આવશે રિફંડ ?
તમને જણાવી દઈએ કે, આના માટે કોઈ નિશ્ચિત તારીખ નક્કી કરવામાં નથી આવતી પરંતુ જો તમે ઇચ્છો તો ઇન્કમ ટેક્સ વેબસાઇટની મુલાકાત લઈને રિફંડ સ્ટેટસ જાતે ચકાસી શકો છો. ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સપેયર્સને સત્તાવાર ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા ITR રિફંડ ટ્રેક કરવાની સુવિધા પૂરી પાડી છે.
ઇન્કમ ટેક્સ વિભાગે રિફંડ ટ્રેક કરવાની બે રીતો આપી છે. પહેલો રસ્તો ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર તપાસ કરવાનો છે અને બીજો રસ્તો રિફંડ બેંકર NSDL ની વેબસાઇટ પર તપાસ કરવાનો છે. ઇન્કમ ટેક્સ વિભાગ અનુસાર, સૌથી અપડેટેડ માહિતી સામાન્ય રીતે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ હોય છે.
ઈ-ફાઇલિંગ પોર્ટલ પર રિફંડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- સૌ પ્રથમ incometax.gov.in ની મુલાકાત લો.
- હવે ‘લોગિન’ પર ક્લિક કરો અને PAN, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો.
- ત્યારબાદ ‘ઈ-ફાઈલ’ > ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ > ‘વ્યૂ ફાઇલ રિટર્ન’ પર જાઓ.
- હવે એસેસમેન્ટ વર્ષ 2025-26 પસંદ કરો.
- એસેસમેન્ટ વર્ષ પછી ‘View Details’ પર ક્લિક કરો અને ITR સ્ટેટસ ચેક કરો.
- ‘Refund Status’સેક્શનમાં જઈને તપાસો કે, રિફંડ જારી થયું છે, પ્રોસેસમાં છે કે ખોટી બેન્ક વિગતોના કારણે ફેઇલ થયું છે.
રિફંડ જારી કરવામાં આવ્યું છે પણ હજુ સુધી મળ્યું નથી?
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ, ઘણા કિસ્સાઓમાં બેંક ખાતાની ચકાસણી સંબંધિત સમસ્યાઓને કારણે રિફંડમાં મોડું થાય છે અથવા તો નિષ્ફળ જાય છે.
‘CBDT’ કરદાતાઓને સલાહ આપે છે કે, રિફંડ મેળવવા માટે આપવામાં આવેલ બેંક ખાતું પ્રી-વેલિડેટેડ હોવું જોઈએ, PAN સાથે લિંક થયેલ હોવું જોઈએ અને ECS (ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ) માટે એક્ટિવ હોવું જોઈએ. જો રિફંડ પ્રોસેસ થઈ ગયું હોય પરંતુ ખાતામાં ન આવ્યું હોય, તો તમે પોર્ટલ પર જઈને ‘રિફંડ રીઇસ્યુ રિક્વેસ્ટ’ સબમિટ કરી શકો છો.
ટેક્સ રિફંડ ક્યારે આવે છે?
સામાન્ય રીતે, ઈ-વેરિફિકેશનના 4 થી 5 અઠવાડિયામાં રિફંડની રકમ ટ્રાન્સફર થઈ જાય છે. તમારા બેંક ખાતાને પાન કાર્ડ જેવા યુનિક આઇડેન્ટિફાયરથી પ્રી-વેલિડેટ કરવું મહત્વપૂર્ણ બને છે, જેથી નાણાકીય લેવડદેવડ સંપૂર્ણપણે સુરક્ષિત રહે.
જ્યારે રિફંડ ક્રેડિટ થાય છે અથવા કોઈપણ ટેકનિકલ કારણોસર વિલંબ થાય છે, ત્યારે આયકર વિભાગ ઇમેઇલ અને SMS મોકલે છે. આથી ઈ-ફાઇલિંગ પ્રોફાઇલમાં તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ અપડેટ રાખો.
NSDL પોર્ટલ પરથી રિફંડ સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા
- NSDL વેબસાઇટ tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html ની મુલાકાત લો.
- તમારો PAN નંબર દાખલ કરો, એસેસમેન્ટ વર્ષ પસંદ કરો અને કેપ્ચા કોડ ભરો.
- હવે “Proceed” પર ક્લિક કરો. બસ આગલી સ્ક્રીન પર તમને રિફંડ સંબંધિત બધી માહિતી મળી જશે.
