ઈરાન અને ઈઝરાયેલ પર ભારત કેટલું નિર્ભર ? જો યુદ્ધ ના અટક્યું, તો ભારતના કયા વ્યવસાયો પર થશે અસર ?
ઈરાન અને ઈઝરાયેલ બંને દેશો સાથે ભારતના સારા વેપાર સંબંધો છે. ભારતે વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારત નથી ઈચ્છતું કે તેના બે મિત્રો એકબીજા સાથે ટકરાય. કારણ કે ઈરાન અને ઈઝરાયેલ પર ભારતની નિર્ભરતા પણ નોંધપાત્ર છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બંને દેશો સાથે ભારતના સંબંધો કેવા છે અને યુદ્ધ થશે તો ભારતને શું નુકશાન થશે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને કારણે મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. બંને સાથે ભારતના સારા વેપાર સંબંધો છે. ભારતે વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારત નથી ઈચ્છતું કે તેના બે મિત્રો એકબીજા સાથે ટકરાય. કારણ કે ઈરાન અને ઈઝરાયેલ પર ભારતની નિર્ભરતા પણ નોંધપાત્ર છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બંને દેશો સાથે ભારતના સંબંધો કેવા છે અને યુદ્ધ થશે તો ભારતને શું નુકશાન થશે.
ઈઝરાયેલ સાથે ચાર વર્ષમાં વેપાર વધ્યો
ભારતે 1992માં ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વેપાર 1992માં લગભગ 200 મિલિયન ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં 10.7 બિલિયન ડોલર થઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષમાં આ વધારો ઝડપી બન્યો છે. આ સમયગાળા દરમિયાન વેપાર બમણો થયો છે. વર્ષ 2018-19માં 5.56 બિલિયન ડોલરથી વધીને 2022-23માં 10.7 બિલિયન ડોલર થઈ ગયો છે. વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, ભારત એશિયામાં ઇઝરાયેલનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. તે વૈશ્વિક સ્તરે સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
ઇઝરાયેલ અને ભારત વચ્ચે શેની થાય છે લેવડ-દેવડ ?
ભારતમાંથી ઇઝરાયેલમાં નિકાસ કરવામાં આવતી સૌથી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં ડીઝલ, હીરા, એવિએશન ટર્બાઇન ઇંધણ, રડાર સાધનો, બાસમતી ચોખા, ટી-શર્ટ અને ઘઉંનો સમાવેશ થાય છે. 2022-23 દરમિયાન કુલ નિકાસમાં બે કોમોડિટીઝ ડીઝલ અને હીરાનો હિસ્સો 78 ટકા હતો. તો ભારતે અવકાશ સાધનો, પોટેશિયમ ક્લોરાઇડ, યાંત્રિક ઉપકરણો, થ્રસ્ટના ટર્બો જેટ અને પ્રિન્ટેડ સર્કિટ જેવી વસ્તુઓની આયાત કરી.
ઈરાન સાથે ભારતના સંબંધો કેવા છે ?
જ્યાં એક તરફ ભારત-ઈઝરાયેલ વેપાર છેલ્લાં વર્ષોમાં વધ્યો છે, તો બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં ભારત-ઈરાન વેપારનું મૂલ્ય ઘટ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં ઈરાન ભારતનો 59મો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો. તેની સાથે દ્વિપક્ષીય વ્યાપાર 2.33 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. નાણાકીય વર્ષ 2022-23માં વધતા પહેલા ઈરાન સાથે ભારતના વેપારમાં સંકોચન જોવા મળ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષ (2019-20, 2020-21 અને 2021-22)માં ઈરાન પરના યુએસ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને વર્ષ-દર-વર્ષે 9.10 ટકાથી 72 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન સાથેનો વેપાર 2018-19માં 17 બિલિયન ડોલરથી ઘટીને 2019-20માં 4.77 બિલિયન ડોલર અને 2020-21માં 2.11 બિલિયન ડોલર થઈ ગયો હતો.
ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર
2022-23માં 2.33 અબજ ડોલરના વેપારમાંથી ઈરાનમાં ભારતની નિકાસ 1.66 બિલિયન ડોલર હતી. જ્યારે ઈરાનથી ભારતની આયાત માત્ર 0.67 અબજ ડોલર હતી. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન દ્વિપક્ષીય વેપાર ભારતના કુલ વેપારના 0.20 ટકા હતો. ભારત ઈરાનમાં મુખ્યત્વે કૃષિ કોમોડિટી અને પશુધન ઉત્પાદનોની નિકાસ કરે છે. આમાં માંસ, સ્કિમ્ડ મિલ્ક, છાશ, ઘી, ડુંગળી, લસણ અને તૈયાર શાકભાજીનો સમાવેશ થાય છે. તો ભારતે ઈરાનમાંથી મિથાઈલ આલ્કોહોલ, પેટ્રોલિયમ બિટ્યુમેન, લિક્વિફાઈડ બ્યુટેન, સફરજન, લિક્વિફાઈડ પ્રોપેન, ખજૂર અને બદામની આયાત કરી હતી.
ભારતને શું નુકસાન થશે ?
ઈરાનના મિસાઈલ હુમલા બાદ કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમાચાર આવ્યા બાદ ખાડી દેશોના બ્રેન્ટ ક્રૂડ ઓઈલ અને અમેરિકન ક્રૂડ ઓઈલ WTIના ભાવમાં 4 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 74 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બંને દેશો વચ્ચેના તણાવની અસર કાચા તેલની કિંમતો પર પડશે.
ક્રૂડ ઓઈલમાં વધારા સાથે ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા જેવી ઓઈલ એક્સ્પ્લોરેશન કંપનીઓના શેરમાં વધારો થવાની શક્યતા છે. તો પેઇન્ટ અને ટાયર શેરોમાં ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે, આ કંપનીઓ ક્રૂડ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં જો ક્રૂડ મોંઘુ થશે તો આ કંપનીઓની ઈનપુટ કોસ્ટ વધી શકે છે.