નાના રોકાણકારો માટે સારા સમાચાર : PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSCના દર વધવાના મળી રહ્યા છે સંકેત
વર્ષ 2011માં ગોપીનાથ સમિતિએ એક ફોર્મ્યુલા આપી હતી. ફોર્મ્યુલા અનુસાર નાની બચત યોજનાઓના દર સરકારી સિક્યોરિટીઝની સરેરાશ ઉપજ કરતાં 25-100 બેસિસ પોઈન્ટ વધુ હોવા જોઈએ.
નાની બચત યોજનાઓ(Small Saving Scheme) માં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. ભારે મોંઘવારી વચ્ચે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો થઈ શકે છે. સતત ઘટી રહેલા શેરબજાર અને ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે પોસ્ટ ઓફિસ પોતાના ગ્રાહકોને સારા સમાચાર આપી શકે છે. છેલ્લા એક વર્ષમાં સરકારી બોન્ડ યીલ્ડમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તેનાથી નાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો થવાની આશા જાગી છે. આવી યોજનાઓ બોન્ડ યીલ્ડ સાથે જોડાયેલી હોવાથી નાની બચત યોજનાઓ પર કમાણી થવાની સંભાવના છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને પોસ્ટ ઓફિસમાંથી ચલાવવામાં આવતા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના વ્યાજ દર વધી શકે છે.
વર્ષ 2011માં ગોપીનાથ સમિતિએ એક ફોર્મ્યુલા આપી હતી. ફોર્મ્યુલા અનુસાર નાની બચત યોજનાઓના દર સરકારી સિક્યોરિટીઝની સરેરાશ ઉપજ કરતાં 25-100 બેસિસ પોઈન્ટ વધુ હોવા જોઈએ. જો કે, સિક્યોરિટીઝ અને સેવિંગ સ્કીમની મુદત સમાન હોવી જોઈએ. એક મીડિયા રિપોર્ટ અનુસાર 10-વર્ષના બોન્ડ યીલ્ડ રિટર્નમાં 140 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે અને છેલ્લા 12 મહિનામાં તે 6.04 ટકાથી વધીને 7.46% થઈ ગયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સરેરાશ વળતર 7.31% રહ્યું છે. આ મુજબ PPFનો વ્યાજ દર 7.81%, સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો દર 8% હોવો જોઈએ.
ગોપીનાથ સમિતિની ફોર્મ્યુલા સમજો
જો આપણે ગોપીનાથ કમિટીની ફોર્મ્યુલા જોઈએ તો PPFનો દર જે હાલમાં 7.10 ટકા છે તે 7.81% હોવો જોઈએ. સુકન્યા યોજનાનો દર હાલમાં 7.60 ટકા છે જે 8.06 ટકા હોવો જોઈએ. તેવી જ રીતે વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો દર હાલમાં 7.40% છે, જે 8.31 ટકા હોવો જોઈએ. રિઝર્વ બેંકના ફ્લોટિંગ રેટ બોન્ડ્સમાં રોકાણ કરનારાઓને પણ નાની બચત યોજનાઓના દરમાં વધારો થવાથી ફાયદો થશે. આ બોન્ડના વ્યાજ દરો NSC સાથે જોડાયેલા છે. આ બોન્ડ NSC કરતા 35 બેસિસ પોઈન્ટ્સ વધારે વળતર આપે છે. NSCનો વર્તમાન દર 6.8 ટકા છે તેથી RBI નો ફ્લોટિંગ બોન્ડ રેટ 7.15 ટકા મળી રહ્યો છે. જો NSC રેટ 7.15 ટકા સુધી જાય છે તો બોન્ડનું વળતર 7.50% સુધી પહોંચી જશે. આ દર બેંકોના FD દર કરતા વધારે હશે.
બચત યોજનાના દરમાં વધારો થઇ શકે છે
જો કે, ઉપરોક્ત સૂત્ર દરેક પરિસ્થિતિમાં લાગુ પડતું હોય તેવું લાગતું નથી. ભૂતકાળમાં પણ આનો અપવાદ જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટરમાં 10-વર્ષના બોન્ડની ઉપજ 6 ટકાથી ઓછી હતી. આવી સ્થિતિમાં PPFનો દર 6.25% હોવો જોઈએ. એ જ રીતે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો વ્યાજ દર 6.75 ટકાથી વધુ ન હોવો જોઈએ. જાન્યુઆરી ક્વાર્ટરમાં બોન્ડ યીલ્ડ ઓછી હોવાને કારણે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પીપીએફનો દર ઘટાડીને 6.4 ટકા અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો દર 6.5 અને સુકન્યા યોજનાનો દર 6.7 ટકા કરવામાં આવ્યો છે. વિપક્ષી દળોએ દરો ઘટાડવાને લઈને હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો હતો. અગાઉ જે દર તે સમયે હતો તે જ અત્યાર સુધી યથાવત રાખવામાં આવ્યો છે. હવે એવી આશા છે કે નાની બચત યોજનાના દરોમાં વધારો થઈ શકે છે.