છેલ્લા બે વર્ષથી કોરોનાના રોગચાળાએ ભરડો લીધો છે અને અર્થતંત્રની ગાડી ધીમી પડી છે પણ બીજી તરફ દેશના લોકો સોના કે સોનાના દાગીના ખરીદવામાં કચાસ રાખી રહ્યા નથી. આંકડા આ વાતની સાક્ષી પૂરે છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર, 2021) સોનાની આયાત બમણીથી વધુ વધીને 38 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા દ્વારા આ હકીકત સામે આવી છે.
દેશમાં ઉચ્ચ માંગને કારણે સોનાની આયાતમાં વધારો થયો છે. ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.
બુલિયન વેપારીઓના જણાવ્યા અનુસાર આયાતમાં વધારો લગ્નોમાં સોનાના વધતા વપરાશને કારણે પણ છે. કોરોનાએ આખા વર્ષ દરમિયાન લગ્નોને અસર કરી હતી. પછી જ્યારે પરિસ્થિતિ થોડી સુધરી તો લોકોએ લગ્ન કર્યા હતા. લગ્નમાં સોનું અનિવાર્ય ભેટ મનાય છે પરિણામે આ વિશેષ માંગ નોંધપાત્ર રીતે વધી સાથે સોનાની આયાત પણ વધી છે.
જો કે બીજી તરફ દેશમાંથી સોનાના દાગીનાની નિકાસ પણ વધી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 71 ટકા વધીને 2.29 કરોડ ડોલર થઈ છે. આ પણ આયાત વધવાનું કારણ હોઈ શકે છે.
એપ્રિલ-ડિસેમ્બર 2020માં સોનાની આયાત 16.78 અબજ ડોલર હતી. ડેટા અનુસાર ડિસેમ્બર 2021માં સોનાની આયાત વધીને 4.8 અબજ ડોલર થઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4.5 અબજ ડોલર હતી.
સોનાની આયાત ચાલુ ખાતાની ખાધ (CAD)ને પણ અસર કરે છે. સોનાની આયાતમાં વધારાથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં વેપાર ખાધ વધીને 142.44 અબજ ડોલર થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 61.38 અબજ ડોલર હતી.
એ જ રીતે નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ચાંદીની આયાત પણ વધીને 2 અરબ ડોલર થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 762 મિલિયન ડોલર હતી. RBIના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ 9.6 અબજ ડોલર અથવા જીડીપીના 1.3 ટકા હતી.
આ પણ વાંચો : મોટો નિર્ણય- દેશની મોટી સરકારી કંપનીઓએ ઘટાડ્યા વ્યાજ દર, શું થશે સામાન્ય વ્યક્તિ પર અસર
આ પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય – આ લોકોના ખાતામાં ટ્રાન્સફર થશે 974 કરોડ રૂપિયા, જાણો કોને અને કેવી રીતે થશે ફાયદો