Breaking News : ખાનગી કર્મચારીઓ માટે મોટા સમાચાર, EPF પગાર મર્યાદા વધવાની શક્યતા, સુપ્રીમ કોર્ટનો આદેશ
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) હેઠળ લાગુ પડતી પગાર મર્યાદા વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આગામી ચાર મહિનામાં સ્પષ્ટ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે છેલ્લા દાયકામાં પગાર, મોંઘવારી અને જીવન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે EPFO માટેની પગાર મર્યાદા છેલ્લા 11 વર્ષથી યથાવત કેમ રાખવામાં આવી છે. કોર્ટના મતે, સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવેલી યોજના આજે ઘણા કર્મચારીઓ માટે અવરોધરૂપ બની ગઈ છે.
11 વર્ષથી કેમ અટકી છે EPFO પગાર મર્યાદા?
2014માં EPFO હેઠળ પગાર મર્યાદા ₹6,500થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વિસંગતતા તરફ ગંભીર રીતે ધ્યાન દોર્યું હતું.
આજે અનેક રાજ્યોમાં લઘુત્તમ વેતન જ ₹15,000થી વધુ છે. આવી સ્થિતિમાં, લઘુત્તમ વેતન મેળવનારા ઘણા કર્મચારીઓ EPFOની ફરજિયાત મર્યાદા બહાર રહી જાય છે. કોર્ટનું માનવું છે કે આ સ્થિતિ EPFOના મૂળ હેતુ – નિવૃત્તિ, પેન્શન અને સામાજિક સુરક્ષા – સામે જાય છે.
ફાઇલ તૈયાર છે, પરંતુ મંજૂરી બાકી
મહત્વપૂર્ણ વાત એ છે કે સરકાર આ મુદ્દાથી અજાણ નથી. 2022ની શરૂઆતમાં EPFOની પેટા સમિતિએ પગાર મર્યાદા વધારવાની ભલામણ કરી હતી, જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં, આ ફાઇલ લાંબા સમયથી અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે.
હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અરજદારને બે અઠવાડિયામાં સરકાર સમક્ષ રજૂઆત કરવાની સૂચના આપવામાં આવી છે. તેના આધારે કેન્દ્ર સરકારને ચાર મહિનાની અંદર અંતિમ નિર્ણય લેવો ફરજિયાત રહેશે. આ નિર્ણયથી વર્ષોથી અટકેલી પ્રક્રિયા હવે ઝડપી બની શકે છે.
પગાર મર્યાદા કેટલી વધી શકે?
જો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોને સ્વીકારે છે, તો EPFO પગાર મર્યાદા ₹21,000 થી ₹25,000 સુધી વધવાની શક્યતા છે. હાલ EPS (એમ્પ્લોઈ પેન્શન સ્કીમ) હેઠળ યોગદાન ₹15,000 સુધી મર્યાદિત છે. મર્યાદા વધારવાથી કર્મચારીઓના પેન્શન ફંડમાં વધુ રકમ જમા થશે.
ઉદાહરણ તરીકે, જો પગાર મર્યાદા ₹25,000 કરવામાં આવે, તો માસિક પેન્શન યોગદાન અંદાજે ₹1,250થી વધીને ₹2,083 થઈ શકે છે. એટલે કે દર વર્ષે પેન્શન ખાતામાં આશરે ₹10,000 જેટલો વધારાનો લાભ મળશે, જે નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા મજબૂત કરશે.
EPFO 3.0 વિઝન અને નોકરીદાતાઓ પર અસર
સરકાર આ પગલાને તેના “EPFO 3.0” વિઝનના ભાગરૂપે જોઈ રહી છે, જેના અંતર્ગત વધુ કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ લાવવાનો હેતુ છે. જોકે, બીજી તરફ આ પગલાથી નોકરીદાતાઓ પર નાણાકીય બોજ પણ વધશે, કારણ કે પેન્શન યોગદાનનો ખર્ચ તેમને સહન કરવો પડશે.
આવતા મહિનાઓમાં કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે તેના પર લાખો ખાનગી કર્મચારીઓના ભવિષ્યની દિશા નક્કી થશે. EPFO પગાર મર્યાદામાં વધારો થાય તો તે કર્મચારીઓ માટે લાંબા ગાળે મોટો લાભ સાબિત થઈ શકે છે.
નાણામંત્રીના ‘પિટારા’માંથી શું નીકળશે ? મધ્યમ વર્ગની આવી છે માગ, જાણવા માટે અહીં ક્લિક કરો..
