EPFOમાં મોટા ફેરફારોની તૈયારી, શું પગારની લિમિટ વધશે? જાણો સંસદમાં શું વાત થઈ..
દેશમાં PF વેતન મર્યાદા ₹15,000 થી ₹30,000 વધારવાની વાત સંસદમાં ઉઠી છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે, પરંતુ કર્મચારીઓના ટેક-હોમ પગાર અને નોકરીદાતાઓ પરના બોજને ધ્યાનમાં લેશે.

દેશના કરોડો નોકરીયાતો માટે મહત્વનું અપડેટ સામે આવ્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માટે ફરજિયાત વેતન મર્યાદા ₹15,000 થી વધારીને ₹30,000 કરવાની માંગણી લાંબા સમયથી ચાલી રહી છે. હવે આ મુદ્દો સંસદના શિયાળુ સત્રમાં જોરદાર રીતે ઉઠ્યો છે. દરેક કર્મચારીના મનમાં મોટો પ્રશ્ન છે. શું PF મર્યાદા ખરેખર ₹30,000 થશે?
સરકારનુ વલણ શું છે?
સાંસદ બેની બેહાનન અને ડીન કુરિયાકોસ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે જણાવ્યું કે EPF પગાર મર્યાદામાં વધારો કરવા મુદ્દે સરકાર વિચાર કરી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય તમામ હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી જ લેવામાં આવશે.
સરકારનું કહેવું છે કે આ મુદ્દો એક પક્ષીય રીતે નક્કી કરી શકાતો નથી, કારણ કે તેના મહત્વના આર્થિક અસરકારક પરિણામો છે —
- PF ફાળો વધે તો કર્મચારીઓનો ટેક-હોમ પગાર ઘટી શકે છે
- નોકરીદાતાઓ પર ભરતી ખર્ચનો બોજ વધશે
એથી સરકાર હાલ “હા” કે “ના” કહેતી નથી, પરંતુ નિર્ણય ચર્ચા હેઠળ હોવાનું મંત્રીએ સ્પષ્ટ કર્યું.
PF મર્યાદામાં છેલ્લો ફેરફાર ક્યારે થયો હતો?
હાલના નિયમ મુજબ ₹15,000 સુધીના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓ માટે EPF યોગદાન ફરજિયાત છે. જો મૂળ પગાર આથી વધુ હોય અને કર્મચારી 1 સપ્ટેમ્બર 2014 પછી જોડાયો હોય તો યોગદાન વૈકલ્પિક છે.
PF મર્યાદામાં છેલ્લો ફેરફાર 2014માં થયો હતો, જ્યારે મર્યાદા ₹6,500 થી વધારીને ₹15,000 પ્રતિ મહિનો કરવામાં આવી હતી.
ગિગ વર્કર્સ માટે EPF લાભ મળશે?
ડિલિવરી, કેબ સર્વિસ, ઇ-કોમર્સ અને અન્ય પ્લેટફોર્મ પર કામ કરનાર ગિગ વર્કર્સની સંખ્યા ઝડપી વધી રહી છે. આ કામદારોને પણ PF લાભ મળશે કે નહીં તે અંગે સરકારનો જવાબ સ્પષ્ટ છે.
શ્રમ મંત્રીએ જણાવ્યું કે વર્તમાન EPF યોજના, 1952 હેઠળ ગિગ વર્કર્સ આવરી લેવામાં આવશે નહીં, કારણ કે ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વચ્ચે પરંપરાગત એમ્પ્લોયર–કર્મચારી સંબંધ નથી, જેના આધારે PF માળખું કાર્ય કરે છે.
પરંતુ આનો અર્થ એ નથી કે ગિગ વર્કર્સ સુરક્ષાથી વંચિત રહેશે. માજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ ગિગ વર્કર્સ માટે નીચે મુજબના લાભોની જોગવાઈ છે:
- જીવન અને અપંગતા કવરેજ
- અકસ્માત વીમો
- આરોગ્ય સુવિધાઓ
- વૃદ્ધાવસ્થા સુરક્ષા
સરકાર ગિગ અને પ્લેટફોર્મ વર્કરો માટે અલગ સામાજિક સુરક્ષા ભંડોળ બનાવવાનો પણ પ્લાન બનાવી રહી છે.
