પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા પર મંત્રીઓના ગોખેલા જવાબ, જાણો શું કહ્યું અનુરાગ ઠાકુરે
પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાના સવાલ પર સરકારના મંત્રીઓ એક જ જવાબ આપતા હોય છે. આવો જ કંઇક જવાબ હવે અનુરાગ ઠાકુરે આપ્યો છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોની સામે તેને જીએસટીના દાયરામાં લાવવાની માંગ થઈ રહી છે. આ અંગે થોડા દિવસો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન આવ્યું હતું. હવે આ વિશે એક ઇંગ્લિશ ચેનલ સાથે વાત કરતાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પણ કેટલાક સંકેતો આપ્યા છે.
જુદા જુદા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વધુ ટેક્સને લઈને નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે જો રાજ્યો સંમત થાય તો તેઓએ આ અંગે વધુ ચર્ચા માટે પ્રસ્તાવ લાવવો જોઈએ. કાઉન્સિલની બેઠકમાં તેઓ આ મુદ્દે ચર્ચા કરવામાં ખુશ થશે.
અનુરાગ ઠાકુરે શું કહ્યું
એક ખાનગી સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો હિસ્સે છે. જ્યાં સુધી તેને જીએસટીના દાયરામાં લાવવાની વાત છે ત્યાં સુધી જીએસટી કાઉન્સિલમાં તેને લઈને કોઈ કેસ પેન્ડિંગ નથી. પરંતુ જો રાજ્ય આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેની ચર્ચા કરવા માંગે છે, તો અમે તેનું ખુલ્લા મનથી સ્વાગત કરીશું. જોવાનું એ છે કે અનુરાગ ઠાકુરે પણ કંઈ નવું કહ્યું નહોતું. નિર્મલા સીતારામણે આ પહેલાં પણ આવું જ કંઇક કહ્યું હતું.
પેટ્રોલ થઇ જશે સસ્તું
નિષ્ણાંતો કહે છે કે પેટ્રોલ-ડીઝલને માલ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી હેઠળ લાવવા પર ઊંચા ભાવોથી રાહત મળી શકે છે. પેટ્રોલ જીએસટીથી 75 રૂપિયા પ્રતિ લિટર સુધી નીચે આવી શકે છે, જ્યારે ડીઝલ 68 રૂપિયા પ્રતિ લિટર.
કેન્દ્રને જશે નુકસાન?
પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે, જે દેશના જીડીપીના 0.4 ટકા હશે. અર્થશાસ્ત્રીઓએ આ અંદાજ કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 60ડોલર અને ડોલરના મૂલ્ય દીઠ 73 રૂપિયાના આધારે કર્યો છે. કેન્દ્રિય અને રાજ્ય કક્ષાના કરને કારણે ભારતમાં પેટ્રોલિયમ દરો વિશ્વમાં સૌથી વધુ છે.
તમને એ પણ જણાવી દઈએ કે સરકારની મોટી આવક પેટ્રોલ-ડીઝલના ટેક્સ પરથી આવે છે. નિષ્ણાંતો કહે છે પેટ્રોલિયમ પેદાશો પર સેલ ટેક્સ, વેટ વગેરે લગાવવો સરકાર માટે કરની આવકનો મોટો સ્રોત છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં કેન્દ્રિય અને રાજ્ય વેરાનો હિસ્સો 60 ટકા સુધી છે જ્યારે ડીઝલના છૂટક ભાવમાં તે 54 ટકા છે. ભારતમાં જીએસટીના ચાર પ્રાથમિક દરો છે – 5,12,18 અને 28 ટકા. જો પેટ્રોલ-ડીઝલને 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવે તો પણ વર્તમાન દરોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
સામાન્ય જનતાની કોણીએ ગોળ?
કેન્દ્ર સરકારના મંત્રીઓના નિવેદનો પરથી, એમ કહી શકાય કે પેટ્રોલ ડીઝલને GST હેઠળ લાવવા માટે તેઓ રાહ જોઈ રહ્યા છે કે જીએસટી કાઉન્સિલમાં કોઈ આ અંગે પ્રસ્તાવ લાવે. પરંતુ નિષ્ણાતોના માનવા અનુસાર સરકારની આવક મોટી પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી જ આવે છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે સરકારનો ઈરાદો શું છે. દર વખતે આ સવાલ પુછાવવા પર કેન્દ્ર સરકારના મંત્રીઓ એક જ પ્રકારનો ગોખેલો જવાબ આપતા હોય છે.
આ પણ વાંચો: બંગાળ ભાજપ ચીફની જાહેરમાં ધમકી, કહ્યું – જો “bad boys” સુધરશે નહીં, તો કૂચબિહાર જેવી ઘટના ફરી થશે
આ પણ વાંચો: હરિદ્વાર કુંભ 2021: શાહી સ્નાન પહેલા ઉમટી ભીડ, કોરોના ગાઈડલાઈનનું થઇ રહ્યું છે ઉલ્લંઘન