ધનવાન ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓને ટેક્સમાં છૂટની મહેરબાની ક્યાં સુધી ?

|

Jan 25, 2022 | 7:36 PM

કૃષિ સાથે સંકળાયેલી આવક પર ટેક્સ ફ્રીનો મુદ્દો હોય કે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓને ટેક્સમાં છૂટ આપવાની જોગવાઈ, સંબંધિત કાયદામાં સુધારો કરીને તેના પર ટેક્સ વસૂલવાની દિશામાં પહેલ કરવી જરૂરી બની છે. જો આ પગલું જલ્દી લેવામાં નહીં આવે તો શ્રીમંત ખેડૂતો વધુ અમીર બનશે અને ગરીબ ખેડૂતો વધુ ગરીબ બનશે.

ધનવાન ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલી કંપનીઓને ટેક્સમાં છૂટની મહેરબાની ક્યાં સુધી ?
Big farmers are taking wrong advantage of tax exemption on agriculture.

Follow us on

સોશીયલ મીડીયામાં કર્ણાટકના તુમકુરનો એક વીડિયો ખૂબ વાયરલ થયો જેમાં ચિક્કાસાંન્દ્રા હુબલીના રામનપાલ્યાના એક યુવા ખેડુત કેમ્પેગૌડા આરએલ ફોર વ્હીલર ખરીદવા તેના મિત્રો સાથે મહિન્દ્રા કંપનીના શોરૂમ પર પહોંચે છે. પરંતુ શોરૂમમાં એક સેલ્સમેને તેના કપડાં પરથી તેનું સ્ટેટસ નક્કી કરી દીધુ અને કહ્યું કે ’10 લાખ તો દૂર, તમારા ખિસ્સામાં 10 રૂપિયા પણ નહીં હોય’. આ પછી, શોરૂમમાંથી બહાર નીકળતા પહેલા ખેડૂત અને તેના મિત્રોએ કહ્યું કે જો તેઓ રોકડ લાવે છે તો શું વાહનની ડિલિવરી આજે જ થઈ જશે. આના પર શોરૂમનો એક્ઝીક્યુટીવ સહમત થયો અને ખેડૂતે અડધા કલાકમાં 10 લાખ રૂપિયાનું વ્યવસ્થા કરી લીધી અને પહોંચી ગયો. કેમ્પેગૌડા આરએલ આમ તો સોપારીની ખેતી (Farming) કરે છે, પરંતુ તે જાસ્મિન અને ક્રોસન્ડ્રા પણ ઉગાડે છે.

આ કિસ્સાનો ઉલ્લેખ અહીં અમે ‘Don’t judge a book by its cover’ વાળી કહેવતને સાબિત કરવા માટે નથી કર્યો. ઉલ્ટું તેનો સબંધ ક્યાંકને ક્યાંક સરકારની તે વિચારધારાને જણાવવા માટે છે જ્યાથી તે પોતાની આવક વધારવા માંગે છે. નીતિ આયોગે (Niti Aayog) ગયા વર્ષે સરકારને કદાચ આ જ વિચારધારા હેઠળ કૃષિને ટેક્સના દાયરામાં લાવવાની સલાહ આપી હતી. પછી ભલે તે વાત તુમકુર ખેડૂત કેમ્પેગૌડા આરએલ વિશે હોય કે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અથવા મજબૂત નેતા શરદ પવાર વિશે હોય, આ લોકો કૃષિ સિવાયની આવકને પણ ખેતીમાંથી થતી આવક બતાવીને જંગી આવકવેરાની (Income Tax) જવાબદારીમાંથી પોતાને બચાવી લેતા હોય છે.

તો શું આવનારા બજેટ સત્રમાં સરકાર તેની આવક વધારવા માટે કેટલીક શરતો સાથે કૃષિને ટેક્સના દાયરામાં લાવવાની જાહેરાત કરી શકે છે ?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વોટ બેંકની રાજનીતિ દેશ માટે સારી નથી

વાસ્તવમાં સરકારની આવકનો એક તૃતીયાંશ હિસ્સો કોર્પોરેટ ટેક્સ અને ઈન્કમ ટેક્સમાંથી આવે છે અને જો એક્સાઈઝ, કસ્ટમ્સ, સર્વિસ ટેક્સ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે તો તે 60 ટકાથી વધુ થઈ જાય છે. મતલબ કે ટેક્સ એ સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. તેથી ખેતીને કરના દાયરામાં લાવવાની વાતનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવી રહ્યો છે. યાદ હોય તો, નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોયે પહેલેથી જ સલાહ આપી છે કે ચોક્કસ મર્યાદાથી વધુની કૃષિમાંથી થતી આવક પર પણ ટેક્સ લાગવો જોઈએ.

જ્યારે તમે કરને લગતા ઈતિહાસના પાના ફેરવો તો 1925માં બ્રિટિશ રાજ દરમિયાન ભારતીય કરવેરા તપાસ સમિતિએ પણ ઉલ્લેખ કર્યો હતો કે ખેતીમાંથી થતી આવક પર કર મુક્તિ માટે કોઈ ઐતિહાસિક કે સૈદ્ધાંતિક કારણ નથી. જો કે, આઝાદી પછી પ્રથમ વખત, વર્ષ 1972 માં રચાયેલી કેએન રાજ સમિતિએ પણ કૃષિને કરવેરાના દાયરામાં રાખવા માટે સંમતિ દર્શાવી હતી. કેલકર કમિટીએ પણ 2002માં કહ્યું હતું કે, દેશના 95 ટકા ખેડૂતો એટલી કમાણી કરતા નથી કે તેમના પર ટેક્સનો બોજ લાદવો જોઈએ. તે સ્પષ્ટ છે કે પાંચ ટકા ખેડૂતોને ટેક્સના દાયરામાં લાવી શકાય છે. નીતિ આયોગે પણ કદાચ કેલકર સમિતિની ભલામણના આધારે તેની ભલામણને આગળ ધપાવી હતી.

નોંધનીય છે કે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10(1) હેઠળ ભારતમાં કૃષિમાંથી થતી આવક કરમુક્ત છે. તેથી, જો સરકાર 5 ટકા સમૃદ્ધ ખેડૂતોને પણ કરવેરા હેઠળ લાવવાનું વિચારે છે, તો કાયદામાં સુધારો કરવો પડશે, જે હાલમાં મુશ્કેલ કાર્ય છે. વોટબેંકના રાજકારણના પગલે સરકાર જે રીતે પછાત અને દલિતોની અનામતમાં ક્રીમીલેયર અંગે નિર્ણય લેવાનું ટાળી રહી છે. એ જ રીતે ખેતીમાં પણ ક્રીમીલેયર છે. જેને ટેક્સના દાયરામાં લાવવાની ભૂલ સરકાર કરવા માંગતી નથી. જે રીતે કૃષિ કાયદા અંગે તાજેતરમાં મોદી સરકારને ઝુકવું પડ્યું હતું. તે પછી સરકાર કૃષિમાંથી થતી આવકને ટેક્સના દાયરામાં લાવવાનું વિચારી શકતી નથી.

કૃષિ કંપનીઓને ટેક્સમાં છૂટ શા માટે?

જ્યારે પણ ખેતીને કરવેરાના દાયરામાં લાવવાની વાત થાય છે, ત્યારે ખેડૂતોના હિતમાં કામ કરતી સંસ્થાઓ, નિષ્ણાતો અને વિરોધ પક્ષો એકસાથે નારા લગાવવાનું શરૂ કરે છે કે ભારતમાં એક ખેડૂત પરિવાર દરરોજ સરેરાશ 265 રૂપિયા કમાય છે. એટલે કે એક મહિનામાં લગભગ 8000 અને વર્ષમાં 96 હજાર, તો પછી આવા ખેડૂતોને ટેક્સના દાયરામાં શા માટે લાવવા જોઈએ?

પરંતુ આ સિવાય જે લોકો આવી વાતો કરે છે તેઓ એ ભૂલી જાય છે કે ખેતીમાંથી થતી આવક પર ટેક્સ ન હોવાને કારણે તેનો લાભ મોટા ખેડૂતો કે જેઓ અમીર છે અથવા તે મોટી કંપનીઓ કે જેઓ આ ક્ષેત્રમાં રોકાયેલી છે તેમના પક્ષમાં જાય છે. આથી સરકારે આવી મોટી કંપનીઓને ટેક્સ મુક્તિ અંગે પુનઃવિચાર કરવો જોઈએ.

હાલમાં અમલમાં છે તે કાયદા મુજબ, કર મુક્તિમાં ખેતીની જમીનના ભાડા, પાકના વેચાણમાંથી આવક, નર્સરીમાં ઉગાડવામાં આવતા છોડમાંથી આવક, અમુક શરતો સાથે ફાર્મહાઉસની કમાણી વગેરે આવે છે. મોટી કંપનીઓ આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે અને મોટી રકમ પર ટેક્સ છૂટ મેળવે છે.

આખરે, કાવેરી સીડ્સ, મોન્સેન્ટો જેવી કંપનીઓને કૃષિ આવકમાંથી ટેક્સમાં છૂટ કેમ આપવામાં આવી રહી છે? કેગ પણ એવું સૂચન કરી રહ્યું છે કે આવકવેરા વિભાગે ચોક્કસ મર્યાદાથી ઉપરના કેસોની પુનઃ તપાસ કરવી જોઈએ અને તે ચકાસવું જોઈએ કે જેમને કૃષિ આવકના આધારે કર મુક્તિ આપવામાં આવી છે તેઓ પાત્ર છે કે નહીં. આવકવેરા વિભાગે તેની આખી સિસ્ટમ મજબૂત કરવી જોઈએ જેથી કરીને કોઈને ખોટી રીતે ટેક્સ છૂટ ન મળે.

શ્રીમંત ખેડૂતોએ ટેક્સ ચૂકવવો જ જોઈએ

અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં ખેતી પર ટેક્સની જોગવાઈ છે, પરંતુ ત્યાંના ખેડૂતોની સ્થિતિ ભારત કરતાં ઘણી અલગ છે એ વાતનો ઈન્કાર નથી. અમેરિકા અને યુરોપમાં સરકાર પહેલા 65 હજાર ડોલરની સબસિડી આપે છે, પછી ટેક્સ લાદવામાં આવે છે. બીજું, મોટા દેશોમાં જ્યાં ખેતી પર ટેક્સની જોગવાઈ છે, ત્યાં ખેડૂતોની ઉપજ ઘટે તો વીમાની વ્યવસ્થા છે. જો બજારમાં ભાવ ઘટે છે, તો તેના માટે પણ વીમાની જોગવાઈ છે.

પરંતુ આપણા ખેડૂતોને પાક વીમાની સુવિધા હજુ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. અને તેનો ફાયદો ક્યાંક ને ક્યાંક તો મોટા ખેડૂતો અથવા આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ જ ઉઠાવી રહી છે. આ સિવાય અમેરિકામાં ખેડૂતો પાસે સરેરાશ 250 હેક્ટર જમીન છે, તો અહીં આપણી પાસે સરેરાશ એક થી બે હેક્ટર છે. તેથી અમેરિકા અથવા એવા દેશો કે જ્યાં કૃષિ પર ટેક્સ લાગે છે, તેની સાથે ભારતની તુલના ન થઈ શકે.

જો ભારતના ટોચના 4-5 ટકા ખેડૂત પરિવારો પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવે તો કૃષિ વેરાના રૂપમાં સરકારી તિજોરીમાં 25 હજાર કરોડ રૂપિયા આવી શકે છે. જો આમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓને પણ ટેક્સના દાયરામાં લાવવામાં આવે તો આ આંકડો ઘણો ઊંચો થઈ શકે છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પણ આગ્રહ કર્યો છે કે દરેક અમીર કમાનાર વ્યક્તિએ કર ચૂકવવો જોઈએ, પછી ભલે તે ખેડૂત જ કેમ ન હોય.

એકંદરે કહેવાનો અર્થ એ છે કે મતબેંકની રાજનીતિથી ઉપર ઉઠીને સરકાર દ્વારા દેશના હિતમાં આ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે કે, કૃષિ સાથે સંકળાયેલી આવક પર ટેક્સ ફ્રીનો મુદ્દો હોય કે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓને ટેક્સમાં છૂટ આપવાની જોગવાઈ, સંબંધિત કાયદામાં સુધારો કરીને તેના પર ટેક્સ વસૂલવાની દિશામાં પહેલ કરવી જરૂરી બની છે. જો આ પગલું જલ્દી લેવામાં નહીં આવે તો શ્રીમંત ખેડૂતો વધુ અમીર બનશે અને ગરીબ ખેડૂતો વધુ ગરીબ બનશે.

આમ પણ નાના ખેડૂતો પાસે એટલી આવક હોતી નથી કે તેમને ટેક્સ ભરવો પડે. આવી સ્થિતિમાં, એવું થવું જોઈએ કે કૃષિ આવકને કરના દાયરામાં લાવીને, તેમાંથી પ્રાપ્ત થતી રકમ નાના ખેડૂતોને ઉપર લાવવામાં ખર્ચવામાં આવે. આ એક એવો માર્ગ છે કે, જે ખેતીને વધારે સારી બનાવવાની સાથે સાથે બેરોજગારી ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે.

( ડિસ્ક્લેમર: લેખક વરિષ્ઠ પત્રકાર છે. લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકના અંગત છે.)

આ પણ વાંચો :  Agriculture Budget 2022 : શું સામાન્ય બજેટમાં ખેતી પર ખાસ ધ્યાન આપશે સરકાર ?

Next Article