Economic Survey 2025 : આર્થિક સર્વેક્ષણ શું છે ? દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ તેમા કેવી રીતે જણાવાય છે?
કેન્દ્ર સરકાર, આગામી 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. પરંતુ બજેટ રજૂ કર્યા પહેલા દેશમાં આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે. જે દેશની વર્તમાન વર્ષની અર્થવ્યવસ્થાની સ્થિતિ જણાવે છે. આખરે આ આર્થિક સર્વેક્ષણ શું છે?

નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ કરવાના છે. બજેટમાં, સરકાર સામાન્ય રીતે આગામી નાણાકીય વર્ષમાં કરવાના કામ અને યોજનાઓ પરના ખર્ચની વિગતો આપે છે. પરંતુ બજેટ પહેલાં, સરકાર સંસદમાં અન્ય એક દસ્તાવેજ રજૂ કરે છે. તેનું નામ આર્થિક સર્વે છે, ગુજરાતીમાં તેને આર્થિક સમીક્ષા અથવા આર્થિક સર્વે પણ કહેવામાં આવે છે. બજેટ પહેલાં આ દસ્તાવેજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આર્થિક સર્વે ખરેખર સરકારનું પ્રદર્શનનું પ્રમાણપત્ર છે, જે જણાવે છે કે સરકારના પાછલા બજેટથી દેશના અર્થતંત્ર પર શું પ્રભાવ પડ્યો છે? પરંતુ વાત અહીં પૂરી થતી નથી, તે સરકારના પ્રદર્શન અહેવાલ ઉપરાંત, દેશના અર્થતંત્રની તાજી સ્થિતિનો પણ ચિતાર રજૂ કરે છે.
અર્થતંત્રની સ્થિતિ જણાવે છે
આર્થિક સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે. એટલું જ નહીં, તે અર્થતંત્રના 3 મુખ્ય ક્ષેત્રો, પ્રાથમિ, ગૌણ અને સેવા ક્ષેત્રની સ્થિતિ વિશે પણ માહિતી આપે છે. તે જણાવે છે કે દેશમાં કયું ક્ષેત્ર કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, ભૂતકાળમાં તેમાં શું વલણ રહ્યું છે અને આગામી સમયમાં કેવા પ્રકારનો વલણ ઉભરી આવવાની સંભાવના છે.
આર્થિક સર્વેક્ષણ, ભવિષ્યમાં દેશના અર્થતંત્રમાં શું થઈ શકે છે તેનો અંદાજ પણ રજૂ કરે છે. તે ફુગાવા, વિશ્વ વેપાર, અન્ય પરિબળની પરિસ્થિતિઓ અને વૈશ્વિક અર્થતંત્રની દેશના અર્થતંત્ર પર થતી અસરની રૂપરેખા પણ રજૂ કરે છે. જ્યારે, તે આપણને એ પણ જણાવે છે કે સમાજના કયા ભાગ પર અર્થતંત્રની શું અસર પડી રહી છે અને કયા ભાગ માટે વધુ કામની જરૂર છે. અર્થતંત્ર સાથે સંબંધિત એક પણ પાસું આર્થિક સર્વેક્ષણથી અસ્પૃશ્ય રહી શકે નહીં.
આર્થિક સર્વે ક્યારે આવે છે?
આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વે હંમેશા બજેટ રજૂ થાય તેના એક દિવસ પહેલા સંસદમાં નાણાપ્રધાન રજૂ કરે છે. પહેલા દેશમાં સામાન્ય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું અને હવે તે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. તેથી, હવે દેશમાં આર્થિક સર્વે દર વર્ષે 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે આર્થિક સર્વેક્ષણ 2024-25 31 જાન્યુઆરી, 2025 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે.
દેશનો આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે?
આર્થિક બાબતોના વિભાગ હેઠળ કાર્યરત આર્થિક વિભાગ દર વર્ષે દેશની આર્થિક સમીક્ષા તૈયાર કરે છે. આ સમગ્ર પ્રક્રિયાના વડા દેશના મુખ્ય આર્થિક સલાહકાર છે. નાણામંત્રી સવારે સંસદમાં તેને રજૂ કરે છે અને સંસદમાં રજૂ થઈ ગયા બાદ કેટલાક સમય બાદ મુખ્ય આર્થિક સલાહકાર પ્રેસ સમક્ષ તેની સામગ્રી રજૂ કરે છે. મોટા ભાગે આર્થિક સર્વે રજૂ કર્યાના દિવસની સાંજે યોજવામાં આવતી હોય છે. આ વર્ષે આ જવાબદારી મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન ઉપર રહેશે.