માંગલિક કાર્યો (manglik karya) જે માસમાં કરવા વર્જીત મનાય છે, તેવાં ખરમાસનો (kharmas) પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉત્તર ભારતીય પંચાગ અનુસાર 16 ડિસેમ્બર, ગુરુવારથી કમુહૂર્તા બેસી રહ્યા છે. તો, ગુજરાતી પંચાગ અનુસાર 15 ડિસેમ્બર, બુધવારથી. એટલે કે, હવે લગભગ 1 માસ સુધી કોઈપણ પ્રકારના માંગલિક કાર્યો નહીં કરી શકાય.
સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતાં જ કમુહૂર્તાનો પ્રારંભ થાય છે. જે યોગને ધનારક (dhanarak) પણ કહે છે. આ ધનારકના સમયમાં લગ્ન, ગૃહ પ્રવેશ, જનોઈ કે મુંડન સંસ્કાર જેવાં કોઈપણ ધાર્મિક કાર્ય કરવાની મનાઈ છે. ત્યારે આવો, આજે એ જ જાણીએ કે શા માટે કમુહૂર્તામાં કોઈ શુભ કાર્ય નથી કરી શકાતા ?
શા માટે માંગલિક કાર્ય વર્જીત ?
કહે છે કે ધન રાશિ એ સૂર્યની મિત્ર રાશિ છે. અને તેનો સ્વામી સ્વયં ગુરુ છે. જ્યારે ચંદ્ર, ગુરુ અને સૂર્યનું બળ વધુ હોય ત્યારે જ કોઈપણ માંગલિક કરવું શુભદાયી બને છે. પરંતુ, જેવો સૂર્ય ધન એટલે કે ધનુરાશિમાં (dhanu rashi) પ્રવેશ કરે છે તે સાથે જ ગુરુનું બળ ઓછું થઈ જાય છે. ગુરુ ફરી ત્યારે બળવાન બને છે કે જ્યારે સૂર્ય ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સમય મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. અને તે બાદ જ શુભ કાર્યોનો પ્રારંભ થાય છે.
ખરમાસની કથા
સૂર્યનો ધનુરાશિમાં પ્રવેશનો અને કમુહૂર્તા તરીકે ઓળખાતો આ સમય એ ખરમાસ તરીકે પ્રસિદ્ધ છે. આ સમયને શા માટે ખરમાસ કહે છે, તેની સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના રથને વિરામ કરવાની મંજૂરી નથી. કારણ કે જો તે અટકી જાય તો સમગ્ર જગત જ અટકી જાય. એ જ કારણ છે કે તેમણે સતત તેમના રથ પર ફરતા રહેવું પડે છે. પરંતુ, આમ કરતા તેમના અશ્વ ખૂબ જ થાકી જાય છે. સૂર્યદેવને અશ્વો પર દયા આી ગઈ.
સૂર્યદેવ તેમના ઘોડાઓને વિશ્રામ કરાવવા તળાવની નજીક લઈ આવ્યા. પણ, સાથે જ તેમને વિચાર આવ્યો કે રથને રોકવો કેવી રીતે ? ત્યાં જ તેમની નજર ત્યાં ફરી રહેલાં ગધેડાઓ પર પડી. ગધેડાઓને ‘ખર’ પણ કહે છે. સૂર્યદેવે અશ્વોને ત્યાં છોડી મૂક્યા. અને તે ખરને રથ સાથે જોડી દીધાં. ગધેડાઓને સૂર્યદેવનો રથ ખેંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી. તેમજ તેમની ગતિ પણ ખૂબ જ ધીમી હતી. જેમ-તેમ કરીને એક માસનું ચક્ર પૂરું થયું. જેને લીધે આ સમય ખરમાસ તરીકે પ્રસિદ્ધ થયો.
આ દરમિયાન સૂર્યદેવના ઘોડાઓનો થાક પણ ઉતરી ગયો. તે ફરી રથમાં જોડાયા. અને રથ પહેલાંની જેમ જ ઝડપથી દોડવા લાગ્યા. અલબત્, આ ચક્ર સતત ચાલતું જ રહે છે. અને એટલે જ દર વર્ષે એક ખરમાસ આવે છે. કે જેમાં શુભ કાર્યો કરવા અશુભ મનાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી
આ પણ વાંચોઃ મહાવિદ્યાઓના આધારે દરેક કામનાઓની પૂર્તિ માટે 14 પ્રકારના શ્રી ગણેશ દર્શાવવામાં આવ્યા છે.