વિવિધ પુરાણોમાં કાશી(Kashi)ની મહત્તાનું ભરપૂર વર્ણન છે. સાત મોક્ષપુરીમાંથી એક એવી કાશીના બાર નામનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. આ બાર નામ એટલે વારાણસી, અવિમુક્તક્ષેત્ર, આનંદકાનન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મહાસ્મશાન, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી, વિશ્વનાથનગરી અને મુખ્ય કાશી. કાશી એ ‘શિવનગરી’ તરીકે પ્રસિદ્ધ છે. આ એ ભૂમિ છે કે જેના પર 5,000 થી પણ વધુ મંદિરો (Hindu Temples) વિદ્યમાન છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે સ્વીકારાઈ ચૂકી છે ! અને આ ધાર્મિક રાજધાનીમાં જ તો ભાવિકોને થઈ રહ્યા છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના (kashi vishwanath jyotirlinga) દર્શન.
કાશી વિશ્વનાથ
કાશી અર્થાત્ કર્મોનું કર્ષણ કરનારી નગરી. કર્મબંધનોને કાપનારી નગરી. ધરતી પરની સૌથી પ્રકાશિત નગરી. કાશી નગરી એ પાવની ગંગા નદીના કિનારે વસેલી છે. વરુણા અને અસિ નામની નદીઓના જળ અહીં ગંગા નદીમાં એકરૂપ થાય છે અને એટલે જ આ નગરી ‘વારાણસી’ના નામે પણ ખ્યાત થઈ છે. આ ધરા પર સુવર્ણથી શોભાયમાન સ્થાનક મધ્યે દેવાધિદેવ સમસ્ત સંસારના ‘નાથ’ના રૂપે વિદ્યમાન થયા છે. તેમનું આ દિવ્ય સ્વરૂપ ‘કાશી વિશ્વનાથ’ના નામે પ્રસિદ્ધ છે. આમ તો સંપૂર્ણ કાશી જ ‘શિવ’ સ્વરૂપ મનાય છે. પરંતુ, આપની કાશીની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી, કે જ્યાં સુધી આપ ‘કાશી વિશ્વનાથ’ના દર્શન ન કરી લો. બાર જ્યોતિર્લિંગમાં કાશીવિશ્વનાથ નવમું સ્થાન ધરાવે છે અને તેમના દર્શનની આગવી જ મહત્તા છે. શિવભક્તો મહેશ્વરના ‘કાશી વિશ્વનાથ’ રૂપના દર્શનાર્થે જ કાશી આવે છે.
અહીં હાલ જ્યાં પ્રભુના દર્શન થઈ રહ્યા છે, તે મંદિરનું નિર્માણ વર્ષ 1780માં ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1835માં શીખ રાજવી મહારાજા રણજીતસિંહે એક હજાર કિલોગ્રામ શુદ્ધ સોનાથી અહીંના કળશને મઢાવ્યું. લોકવાયકા અનુસાર જે શ્રદ્ધાળુઓ આસ્થાથી કાશી વિશ્વનાથ મંદિરના શિખરના પણ દર્શન કરી લે છે, તેની સર્વ કામનાઓની પૂર્તિ થઈ જાય છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે તેમ કાશી એ ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ કરાવનારી નગરી છે. અને તેનો પ્રલયકાળમાં પણ નાશ નથી થતો.
કાશી વિશ્વનાથ પ્રાગટ્ય
શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 22માં કાશી વિશ્વનાથના પ્રાગટ્યની કથાનું વર્ણન છે. તેમાં ઉલ્લેખ છે તે અનુસાર મહેશ્વર દ્વારા નિર્મિત પંચકોશી કાશી સર્વ પ્રથમ આકાશમાં સ્થિત થઈ. જેમાં સૃષ્ટિના સર્વ પ્રથમ પુરુષ એવાં સ્વયં શ્રીહરિએ સૃષ્ટિની કામનાથી તપસ્યા આદરી. પરિશ્રમને લીધે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઈ. આ જલધારાઓમાં પંચકોશી ડૂબવા લાગ્યું. ત્યારે શિવજીએ આ નગરીને તેમના ત્રિશૂળ પર ધારણ કરી દીધી. ત્યારબાદ શ્રીહરિએ એ જ જલરાશિમાં પત્ની પ્રકૃતિ સાથે શયન કર્યું. અને તેમની નાભિમાંથી કમળ અને પછી કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું.
બ્રહ્માજીએ મહેશ્વરની આજ્ઞાની બ્રહ્માંડમાં ચૌદ ભુવનોનું નિર્માણ કર્યું. એ દૃષ્ટિએ સંસારની સૌથી પૌરાણિક નગરી મનાતી કાશી વાસ્તવમાં સંસારના નિર્માણનું પણ નિમિત્ત છે ! જેને બ્રહ્માંડ સર્જન બાદ શિવજીએ તેમના ત્રિશૂળ પરથી ઉતારી મૃત્યુલોકમાં છોડી દીધી. અને પછી તે સ્વયં અવિમુક્તેશ્વર લિંગ રૂપે અહીં પ્રસ્થાપિત થયા. આ અવિમુક્તેશ્વર લિંગ એટલે જ કાશી વિશ્વનાથ મહાદેવ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)