પ્રદોષનું (Pradosh) વ્રત એ તો શિવજીની પરમ કૃપાને પ્રાપ્ત કરાવનારું મનાય છે. દરેક માસમાં સુદ પક્ષ અને વદ પક્ષની તેરસની તિથિએ આ વ્રત કરવામાં આવતું હોય છે. એમાં પણ જ્યારે આ તિથિ શનિવારના રોજ પડતી હોય, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શનિવારના રોજ પડતી પ્રદોષ ‘શનિ પ્રદોષ’ (Shani Pradosh) તરીકે ઓળખાય છે. 4 સપ્ટેમ્બર 2021ના રોજ આ સંયોગ સર્જાઈ રહ્યો છે.
શનિ પ્રદોષમાં ગૌરી-શંકરની ઉપાસનાની સાથે શનિદેવની પૂજાનો પણ મહિમા છે. માન્યતા અનુસાર આ દિવસે થતી પૂજાથી શિવજી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે, તો સાથે જ શનિ દોષ સંબંધી સમસ્યાઓથી પણ મુક્તિ મળી જાય છે. કહે છે, કે શિવજીની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તે ભક્તને પનોતીમાંથી પણ રાહત અપાવે છે. ત્યારે આવો જાણીએ કે આ પ્રદોષ પર કેવી રીતે પ્રાપ્ત કરશો શિવકૃપા.
પૂજાવિધિ
⦁ પ્રદોષ વ્રતના દિવસે ભક્તે નિત્ય કર્મથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો.
⦁ એક બાજોઠ પર ભગવાન શિવ અને પાર્વતીની પ્રતિમાનું સ્થાપન કરી એક દીપક પ્રજ્વલિત કરો.
⦁ શિવજીને પ્રિય વસ્તુઓ જેવી કે બીલીપત્ર, ધતુરાથી તેમની પૂજા કરો.
⦁ દેવી પાર્વતીને પૂજા બાદ શણગારની વસ્તુઓ અર્પણ કરો.
⦁ ગૌરી-શંકરને નૈવેદ્ય અર્પણ કરો.
⦁ આરતી કરી ક્ષમા યાચના કરો.
⦁ સાંજના સમયે ફરી પૂજા કરો, કારણ કે પ્રદોષ વ્રતમાં સંધ્યા પૂજાનો સવિશેષ મહિમા છે.
ફળપ્રાપ્તિ
માન્યતા અનુસાર આ પૂજાથી શિવ-પાર્વતી તો પ્રસન્ન થાય જ છે. સાથે જ શનિદેવ પણ પ્રસન્ન થાય છે. કારણ કે શિવજી શનિદેવના ગુરુ છે. તો, શનિદેવની વિશેષ કૃપા અર્થે આ દિવસે શનિમંત્રના જાપ પણ ફળદાયી બની રહેશે. કહે છે કે શનિ પ્રદોષના વ્રતથી વ્યક્તિના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે. જો પનોતી ચાલતી હોય તો તેમાં રાહત મળે છે અને તેના માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. અલબત્, આ માટે વ્રત નિયમાનુસાર કરવું જરૂરી છે.
કેવી રીતે કરશો વ્રત ?
કહે છે કે આ વ્રત જો નિર્જળા કરવામાં આવે તો તે ઉત્તમ ફળદાયી બને છે. પણ, જો તે શક્ય ન હોય તો એક સમય ફળાહાર કરી શકાય. પણ, પ્રદોષમાં સંધ્યા પૂજનનો મહિમા હોઈ, આ પૂજા બાદ જ ફળ ગ્રહણ કરવા. જો ભૂખ્યા રહી શકાય તેમ ન હોય અને એકટાણું કરી રહ્યા હોવ તો પણ, લાલ મરચું, ચોખા અને મીઠું તો ગ્રહણ ન જ કરવું.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : અહીં દર્શન બાદ જ પૂર્ણ થશે કાશીની યાત્રા ! જાણો કાશીવિશ્વનાથ મહાદેવનો મહિમા
આ પણ વાંચો : આ વ્રતને લીધે જ રાજા હરિશ્ચંદ્રને પાછું મળ્યું તેમનું રાજ ! જાણો અજા એકાદશીનો મહિમા