જે ભક્ત એકાદશીના (Ekadashi) રોજ પૂર્ણ શ્રદ્ધા તેમજ શુદ્ધ ભાવ સાથે ભગવાન વિષ્ણુની (Lord vishnu) પૂજા અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ (shravan) માસમાં જેમ શિવ ઉપાસનાનો મહિમા છે, શ્રાવણીયા સોમવારે વ્રતનો મહિમા છે, તે જ રીતે શ્રાવણ માસની એકાદશીની (ekadashi) પણ આગવી જ મહત્તા છે. એમાં પણ શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીના વ્રતનું એક આગવું જ મહત્વ રહેલું છે. આ એકાદશી અજા એકાદશી (aja ekadashi) તરીકે ઓળખાય છે.
પુરાણોમાં અજા એકાદશીના વ્રત સંબંધી માહાત્મ્યનું વર્ણન મળે છે. જે અનુસાર અજા એકાદશીના વ્રતથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. કહે છે કે આ વ્રત માત્ર ‘આલોક’માં જ નહીં, ‘પરલોક’ ગમન બાદ પણ મદદરૂપ બને છે. તે જીવન મૃત્યુના ચક્કરમાંથી મનુષ્યને મુક્તિ અપાવે છે. માન્યતા અનુસાર તેના જેવું ઉત્તમ વ્રત આ ધરતી પર બીજું કોઈ નથી. આ વર્ષે આ એકાદશી 22 ઓગસ્ટ, 2022ના રોજ છે.
અજા એકાદશી વ્રતની વિધિ
જાણો અજા એકાદશીના દિવસે વ્રત કરવાની પૂજા-વિધિ. જેના દ્વારા આપ મેળવી શકશો ભગવાન વિષ્ણુની કૃપા.
⦁ આ વ્રત કરનાર જાતકે શક્ય હોય તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું.
⦁ નિત્ય કર્મથી પરવારીને પ્રભુ વિષ્ણુનું સ્મરણ કરીને જાતકે વ્રતનો સંકલ્પ કરવો.
⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરનું સ્થાપન કરો.
⦁ ગાયના ઘીનો એક દીપક પ્રજ્વલિત કરો.
⦁ “ૐ નમો નારાયણ” મંત્ર બોલતા પ્રભુની શાસ્ત્રોક્ત પૂજા કરો.
⦁ આજના દિવસે શક્ય હોય તો પ્રભુને પીળા રંગના પુષ્પ અર્પણ કરો, કારણ કે વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે.
⦁ પ્રભુ સન્મુખ વ્રત કથાનું પઠન કરો.
⦁ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પઠન કરો.
⦁ આરતી ઉતારી, પ્રભુને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરો.
⦁ આ એકાદશીએ દાનનો પણ વિશેષ મહિમા છે.
⦁ સાંજના સમયે પણ પ્રભુની આરતી કરવી.
⦁ શક્ય હોય તો ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા.
⦁ શ્રીહરિના કિર્તન સાથે રાત્રિ જાગરણ કરવું અને બીજા દિવસે સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા.
અજા એકાદશી વ્રત કથા
પ્રચલિત કથા અનુસાર એકવાર દેવતાઓએ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. જેના ભાગ રૂપે ઋષિ વિશ્વામિત્રએ હરિશ્ચંદ્રનું આખું રાજ્ય જ દાનમાં માંગી લીધું. સત્યનિષ્ઠ વ્રતનું પાલન કરનારા રાજાએ આખું રાજપાટ વિશ્વામિત્રને આપી દીધું. અને પછી ખૂટતી રકમ ચૂકવવા પત્ની, પુત્ર અને સ્વયંને જ વેચી દીધાં. તે એક ડોમના દાસ બન્યા !
રાજા હરિશ્ચંદ્ર વર્ષો સુધી સ્મશાનમાં મૃતકોને વસ્ત્ર ઓઢાડવાનું કાર્ય કરતા રહ્યા. પણ, સત્યથી વિચલિત ન થયા. કહે છે કે ત્યારે ઋષિ ગૌતમે તેમને અજા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. રાજાએ ઋષિના જણાવ્યાનુસાર નિષ્ઠાપૂર્વક વ્રત કર્યું. જેના પ્રભાવથી તેમના પૂર્વ જન્મ અને આ જન્મના સઘળા પાપ નષ્ટ થઈ ગયા. એટલું જ નહીં, તેમનો મૃત પુત્ર પણ જીવતો થયો. તેમને પુનઃ તેમના રાજ્યની પ્રાપ્તિ થઈ. અને અંતે તે સહપરિવાર સ્વર્ગમાં ગયા.
કહે છે કે અજા એકાદશીનું આ વ્રત તો મનુષ્યના જન્મોજન્મના પાપને નષ્ટ કરી દે છે. એટલું જ નહીં, આ વ્રત કથાના તો શ્રવણ માત્રથી પણ અશ્વમેધ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)