હિન્દુ ધર્મમાં (Hindu Dharma) અમાસની (Amas) તિથિનું ખૂબ મહત્વ દર્શાવેલું છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન (Snan) કરવાની પરંપરા છે. અમાસની તિથિના દિવસે પિતૃદોષથી મુક્તિના ઉપાયો પણ કરવામાં આવે છે. સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ વખતે વૈશાખી અમાસ પર આ સોમવતી અમાસનો જ સંયોગ સાંપડ્યો છે. વળી, ખાસ વાત એ છે કે આ દિવસે શનિ જયંતી પણ છે. ત્યારે આવો, જાણીએ કે કયા શુભ સંયોગ સાથે આ અમાસ આવી રહી છે. અને આ તિથિએ કયા કાર્ય કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે.
શુભ સંયોગ
30 મે, સોમવારના રોજ વૈશાખ માસની અમાસની તિથિ છે. પુરાણોક્ત માન્યતા અનુસાર આ તિથિએ જ શનિદેવજીનો પણ જન્મ થયો હતો. એટલે કે આ દિવસે સોમવતી અમાસ અને શનિ જયંતીનો શુભ સંયોગ તો છે જ. સાથે જ, સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ સુકર્મા યોગ પણ બની રહ્યો છે. જાણીતા જ્યોતિષાચાર્યના મત અનુસાર આવો સંયોગ લગભગ 30 વર્ષ પછી બની રહ્યો છે. જે સવિશેષ લાભદાયી બની રહેશે. ત્યારે આવો જાણીએ, કે સોમવતી અમાસના દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કયા વિશેષ ઉપાયો અજમાવવા જોઈએ.
પિતૃ તર્પણ અને પીંડદાન
સોમવતી અમાસના દિવસે પિતૃઓને જળ અર્પણ કરવાથી તેમને તૃપ્તિ મળે છે. મહાભારત કાળથી જ સોમવતી અમાસના દિવસે તીર્થસ્થળોમાં પિંડદાન કરવાનું સવિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
શનિ-ચંદ્ર સંબંધી દાન
સોમવતી અમાસના દિવસે શનિ અને ચંદ્ર સંબંધી વસ્તુઓનું દાન કરવું જોઇએ. માન્યતા એવી છે કે આ પ્રકારના દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
નદી સ્નાન
આ દિવસે ગંગા કે કોઇપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. આ દિવસે હનુમાનજી, શનિદેવ તેમજ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીની સાથે માતા પાર્વતીની પૂજા કરવી જોઇએ. જો તમે નદીમાં સ્નાન નથી કરી શકતા તો ઘરમાં જ થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
વટ વૃક્ષની પૂજા
સોમવતી અમાસના દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વડના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ. તેમજ વૃક્ષની પરિક્રમા પણ કરવી જોઈએ.
દાન કરવાની વસ્તુઓ
સોમવતી અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરીબોને પાણીનો ઘડો કે માટલું, કાકડી, છત્રીનું દાન કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનોને આશીર્વાદ આપે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)