નવરાત્રી (Navratri 2022) દરમિયાન નવદુર્ગાના (Navdurga)વિધ વિધ નવ સ્વરૂપોના પૂજન-અર્ચનનો મહિમા છે. તો, ઘણાં ભાવિકો મા જગદંબાનું (Jagdamba) આહ્વાન કરીને તેમની આરાધના કરતા હોય છે. તો, કેટલાંક ભાવિકો નવરાત્રી દરમ્યાન તેમની કુળદેવીની ઉપાસના કરતા હોય છે. શક્ય છે કે તમે પણ ઘરે ઘટસ્થાપન કરી માતાજીનું અનુષ્ઠાન કર્યું હશે. પણ, શું તમે જાણો છો કે માની આરાધના દરમ્યાન વાળ ખુલ્લા રાખવા જોઈએ કે બાંધેલા ? મંત્રજાપ સમયે છીંક આવી જાય તો શું કરવું ? નવરાત્રી દરમિયાન તમે કોઈની પાસે તમારી સેવા તો નથી કરાવતાને ? આવો જાણીએ નવરાત્રી દરમ્યાન અચૂક ધ્યાનમાં રાખવા જેવી આ બાબતો.
શું રાખશો ધ્યાન ?
⦁ માતાજીની પૂજા દરમ્યાન શક્ય હોય ત્યાં સુધી લાલ કે ગુલાબી રંગના જ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. એમાં પણ જો આ વસ્ત્ર કોરા એટલે કે નવા જ હોય તો તે વધુ લાભદાયી બને છે.
⦁ પૂજા સમયે સાધકે લાલ રંગનું તિલક કરવું. તેનાથી વિશેષ ઊર્જાની પ્રાપ્તિ થશે.
⦁ પૂજા દરમ્યાન પૂજા આસન પર બેઠાં હોવ ત્યારે માત્ર જળ જ ગ્રહણ કરવું. બીજું કશું જ નહીં.
⦁ નવ દિવસનું વ્રત કે ઉપવાસ હોય તેમણે બહાર હરવા ફરવા પર નિયંત્રણ રાખવો જોઇએ.
⦁ શાસ્ત્ર અનુસાર માતાજીની આરાધના, પૂજા સમયે સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને બેસે તે બિલ્કુલ પણ યોગ્ય નથી. એટલે, નવરાત્રી દરમિયાન વાળ ખુલ્લા રાખીને કે ભીના રાખીને પૂજામાં ન જ બેસવું.
⦁ પૂજા કે મંત્રજાપ કરતી વખતે છીંક કે ખાંસી આવે તો વચ્ચે રોકાઇને 3 વાર આચમન કરીને પછી ફરીથી પૂજા શરૂ કરવી.
⦁ નવરાત્રીમાં જો અખંડ દીવો કર્યો હોય તો ઘરમાં ક્યારેય તાળુ ન લગાવવું જોઇએ.
⦁ નવરાત્રી દરમ્યાન કોઇની પાસે પોતાની સેવા કરાવવી પણ યોગ્ય નથી. પરંતુ જો કોઇ શારિરીક સમસ્યા હોય તો તે કરાવી શકાય.
⦁ વ્રત કરનારે સાત્વિક આહાર જ ગ્રહણ કરવો જોઈએ. આપનું ભોજન હલ્કું તેમજ સુપાચ્ય હોવું ખૂબ જ જરૂરી છે. વળી, તે શરીર નિર્વાહ માટે જેટલું જરૂરી હોય તેટલું જ લેવું. પરંતુ, જો જીભના રસાસ્વાદ માટે તે ભોજન લેવામાં આવે તો તે બિલ્કુલ પણ યોગ્ય નથી. શક્ય હોય ત્યાં સુધી અલ્પ માત્રામાં ફળાહાર જ કરવો જોઈએ.
⦁ શક્ય હોય ત્યાં સુધી સાધકે જમીન પર જ સૂવું જોઈએ. આમ તો જમીન પર કપડું પાથર્યા વિના જ સૂવાનું વિધાન છે. પણ, તે શક્ય ન હોય તો પથારી જમીન પર જ થાય તેનું ધ્યાન રાખો.
દુર્ગા આરાધના એ એક તપસ્યા છે. અને આ સાધનામાં જો નાની સરખી પણ ભૂલ થઈ જાય તો તે સાધકની સાધનાને વ્યર્થ કરી દે છે. એટલે પૂજા દરમિયાન જરૂરથી આ બાબતોનું ધ્યાન રાખવું. જો અગાઉના નોરતામાં આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે માટે માતાની ક્ષમા માંગી લેવી. કારણ કે કરુણામયી માતા તેના સંતાનોની ભૂલોને ક્ષમા કરી દે છે. પણ, હવે પછી આવી ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)