પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા હોય, તો રોકાણકારોએ શું કરવું ?

કંપનીઓ વિવિધ ખર્ચને પહોંચી વળવા માટે વર્કિંગ કેપિટલ લોન કે ટર્મ લોન લે છે. ક્યારેક પ્રોપર્ટી અથવા શેર ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરે છે. જો કોઈ કંપનીના પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા હોય, તો શું તેમાં રોકાણ કરવું જોઈએ? જાણવા માટે જુઓ આ વીડિયો.

Divyesh Nagar

| Edited By: Bipin Prajapati

Jun 30, 2022 | 5:27 PM

MONEY9: કંપનીઓને હજાર જાતનાં ખર્ચા હોય છે અને તેને પહોંચી વળવા માટે કંપનીઓ વર્કિંગ કેપિટલ લોન કે ટર્મ લોન લે છે. ક્યારેક પ્રોપર્ટી અથવા શેર ગીરવે (PLEDGE) મૂકીને પૈસાની વ્યવસ્થા કરે છે. જો કોઈ કંપનીના પ્રમોટર્સે (PROMOTER) શેર ગીરવે મૂક્યા હોય, તો શું તેમાં રોકાણ કરવું જોઈએ તેનું આપણે એક ઉદાહરણ જોઇએ.

દીપકે થોડાં દિવસો પહેલાં જ મિડકેપ કંપનીના શેર ખરીદ્યા છે, તેને આશા છે કે, આ શેર મલ્ટિબેગર સાબિત થશે. તે અઢળક કમાણીનું સપનું જોવા લાગ્યો હતો, ત્યાં એક સમાચારે તેને ટેન્શનમાં નાખી દીધો. 

સમાચાર હતા કે, આ મિડકેપ કંપનીના પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા છે. આ સાંભળીને તેને ઝટકો લાગ્યો. જાણવા મળ્યું કે, પ્રમોટર્સે પૈસા મેળવવા માટે શેર ગીરવે મૂક્યા છે. આ સમાચાર બહાર આવતાંની સાથે જ, શેર પણ ઊંધા માથે પટકાયો.

આ જોઈને, દીપક તો ડઘાઈ ગયો છે… કમાણીની વાત તો દૂર રહી, જે પૈસા લગાવ્યા છે તે પાછા મળશે કે નહીં તેની ચિંતા દીપકને સતાવવા લાગી… આથી, તે એક સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર વિનીતની પાસે પહોંચી ગયો… આમ તો, વિનીત તેનો જૂનો મિત્ર છે, પરંતુ બંને વચ્ચે ઘણા લાંબા સમયથી વાતચીત થઈ નથી. 

વિનીતઃ અરે દીપક…,શું વાત છે? આજે અમારા ગરીબખાને કેવી રીતે પધાર્યા…?? 

દીપકઃ હા, ભાઈ… તું તો મોટો માણસ થઈ ગયો..એટલે મેં વિચાર્યું કે ચાલો હું જ સામેથી મળવા જાઉં… 

વિનીતઃ પણ, તું આટલો ચિંતામાં કેમ છે…?? કંઈ થયું તો નથી ને..!!!

દીપકઃ હા… યાર, આમ તો બધું સારું જ છે… પણ એક પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છું…

વિનીતઃ અરે, ભાઈ…. તું ક્યાં ફસાઈ ગયો…?

દીપકઃ અરે… યાર, મેં એક મિડકેપ કંપનીના શેર ખરીદ્યા હતા.. હવે, આ કંપનીના પ્રમોટર્સે શેર ગીરવે મૂકી દીધા છે…મને સમજાતું નથી કે, શું કરું… લાગે છે કે, મારા પૈસા ડૂબી જશે.. 

વિનીતઃ અચ્છા, તો… આ ચક્કર છે… અરે, એમાં ગભરાવાની જરૂર નથી. હું તને આખીયે વાત સમજાવું છું. 

દીપકઃ અરે, ચિંતા તો થાય ને…ખાસ્સી રકમ રોકી છે…જો પૈસા ગયા તો હું ક્યાંયનો નહીં રહું…

વિનીતઃ ચિંતા ના કર… આવું કશું નહીં થાય. જો…, ઘણી વખત આપણી પાસે પૈસા નથી હોતા ત્યારે આપણે બહારથી ઉધાર લઈને મેનેજ કરીએ છીએ….બસ કંપનીઓ પણ આવું જ કરે છે. એક વખત, મેં પણ દાગીના ગીરવે મૂક્યા હતા..પણ થોડા મહિના પછી પૈસા ભરીને દાગીના છોડાવી લીધા હતા… 

દીપકઃ પણ, કંપનીઓને અચાનક આવી કઈ જરૂર પડી જાય છે..? 

વિનીતઃ અરે, કંપનીઓને પણ હજાર જાતનાં ખર્ચા હોય છે… તેને પહોંચી વળવા માટે માલિકો ક્યારેક વર્કિંગ કેપિટલ લોન લે છે, તો ક્યારેક ટર્મ લોન… ક્યારેક તો તેમણે પ્રોપર્ટી અથવા શેર ગીરવે મૂકીને પણ પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. 

દીપકઃ તો, શું આ એક સામાન્ય વાત છે…? 

વિનીતઃ જો.. આ વાત સામાન્ય તો નથી..કારણ કે, પૈસા મેળવવાના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે જ શેર ગીરવે મૂકવામાં આવે છે…આમ છતાં આ વાત વધારે ચિંતાજનક નથી… 

દીપકઃ સારું…ચાલો માની લઈએ કે, ચિંતા કરવાની જરૂર નથી. તો પછી શેર કેમ પટકાયો…? 

વિનીતઃ જો.. ભાઈ, બજારમાં ઘટાડાનો માહોલ હોય ત્યારે શેર ગીરવે મૂકવામાં આવે તો, તે જોખમી છે… પણ શેરના ભાવમાં ચઢાવ-ઉતાર તો ચાલતો રહે છે.. 

દીપકઃ અરે… યાર, તારી વાત સમજાતી નથી. 

વિનીતઃ સારું…તો આપણે તારી મિડકેપ કંપનીની જ વાત કરીએ, જેમાં તે પૈસા રોક્યા છે… 

દીપકઃ હા, તો સમજાઈ જશે. 

વિનીતઃ જો, તારી કંપનીના પ્રમોટર્સે 10 ટકા શેર ગીરવે મૂકીને 50 કરોડ રૂપિયા ઉછીના લીધા છે… બજારની હાલત પહેલેથી જ ખરાબ છે, એટલે આ શેરની વેલ્યૂ ઘટીને 35 કરોડ રૂપિયા થઈ ગઈ… આથી, પ્રમોટર્સે આ ગેપ પૂરો કરવો પડશે…

દીપકઃ મતલબ? 

વિનીતઃ મતલબ કે, પ્રમોટર્સે ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયાના બીજા શેર પણ ગીરવે મૂકવા પડશે. 

દીપકઃ અરે…, યાર… આ તો મોટી આફત છે…

વિનીતઃ હા, આ આખી એક સાયકલ છે. ધારો કે, પ્રમોટર્સ વધુ શેર ગીરવે નહીં મૂકે તો, બેન્ક તેના શેર વેચી શકે છે. 

દીપકઃ બેન્ક શેર વેચી દે, તો શું થઈ જાય…?

વિનીતઃ આવું થાય તો, પ્રમોટર્સનું હોલ્ડિંગ ઓછું થઈ જશે અને પબ્લિક હોલ્ડિંગ વધી જશે… એટલે કે, શેર પર વેચવાલીનું દબાણ સર્જાશે અને શેરના ભાવ ઘટવા લાગશે… 

દીપકઃ અચ્છા, તો આ કારણસર કંપનીનો શેર તૂટી રહ્યો છે. 

વિનીતઃ હા, એકદમ સાચું સમજ્યો. આથી, તારે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં તેની શેરહોલ્ડિંગ પેટર્ન ધ્યાનથી સમજી લેવી જોઈએ.. પ્રમોટર્સનો શેર ગીરવે મૂકવામાં ઘણી ગેરરીતિના મામલાઓ પણ સામે આવ્યા છે. 

દીપકઃ સાચી વાત છે… દોસ્ત, હવે રિસર્ચ કર્યા વગર કોઈ કંપનીમાં પૈસા નહીં લગાવું. 

નિષ્ણાતનો મત

મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સના એડવાઈઝરી વિભાગના વાઈસ પ્રેસિડન્ટ અખિલ રાઠી કહે છે કે, જો કંપનીના પ્રમોટર્સ પાસે સારો એવો હિસ્સો છે અને બિઝનેસ સંબંધિત કોઈ નક્કર કારણોસર તેઓ આ હિસ્સો ગીરવે મૂકી રહ્યાં છે, તો તેમાં કશું ખોટું નથી. પરંતુ જો તેઓ વ્યક્તિગત કારણોસર શેર ગીરવે મૂકે, તો તમારે સાવચેત થઈ જવું જોઈએ. 

મની નાઈનની સલાહ 

  1. કોઈ કંપનીના કામકાજની તપાસ કરતી વખતે માત્ર તેની શેરહોલ્ડિંગ પેટર્ન ના જુઓ, પણ એક સ્ટેપ આગળ વધીને તેના કેટલા શેર ગીરવે પડ્યા છે તેનો ડેટા પણ ચેક કરો.
  2. ગીરવે મૂકેલાં શેરનો ડેટા જોઈને તમે એટલું વિશ્લેષણ કરી શકશો કે, પ્રમોટર્સે કેટલો હિસ્સો દાવ પર લગાવેલો છે…???

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati