કાશ્મીર મુદ્દે ત્રીજા દેશની મધ્યસ્થા સ્વીકાર્ય નહીં, પાકિસ્તાન PoK ખાલી કરીને ભારતને સોંપેઃ વિદેશ વિભાગ
જગત જમાદાર એવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર સમસ્યા ઉકેલવા કરેલ ટ્વીટ બાદ, વિદેશ વિભાગે અમેરિકાનુ નામ લીધી વિના કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે ત્રીજા કોઈ દેશની મધ્યસ્થાની ભારતને જરૂર નથી. આટલુ જ નહીં, પાકિસ્તાનને પણ વિદેશ વિભાગે શબ્દ ચોર્યા વિના કહ્યું છે કે, પાકિસ્તાને પચાવી પાડેલી જમીન, કે જેને PoK તરીકે ઓળખવામાં આવે છે તે ખાલી કરીને ભારતને સોપી દે.
પહેલગામ આતંકી હુમલાના બદલા સ્વરૂપ ઓપરેશન સિંદૂરથી ખોખરુ થયેલ પાકિસ્તાને ઘૂંટણિએ પડીને, ભારત પાસે યુદ્ધ વિરામ માંગ્યો હતો. યુદ્ધ વિરામની સ્થિતિ બાદ, વિદેશ મંત્રાલયે હવે ભારત સરકાર વતી એક ઔપચારિક નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચેના તમામ મુદ્દાઓ ફક્ત દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ ઉકેલાશે અને ભારત જમ્મુ અને કાશ્મીર પર કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારશે નહીં.
વિદેશ મંત્રાલયે કહ્યું કે તાજેતરની લશ્કરી કાર્યવાહીએ પાકિસ્તાનને ફરીથી વિચારવા માટે મજબૂર કર્યું છે. કડક વલણ અપનાવતા, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ખાલી કરવું પડશે.
વિદેશ વિભાગના પ્રવકત્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. જેમ તમે સૌ જાણો છો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે પડતર મુદ્દો એ જ છે કે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.