AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાળિયેરના ભાવ મુદ્દે ખેલાયો લોહીયાળ જંગ, વેપારીઓ વચ્ચેના વિવાદમાં પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો

નાળિયેરના ભાવ મુદ્દે ખેલાયો લોહીયાળ જંગ, વેપારીઓ વચ્ચેના વિવાદમાં પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:33 PM
Share

અમદાવાદના અસારવા વિસ્તારમાં નજીવા નાળિયેરના ભાવને લઈને શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બે પક્ષો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે નાળિયેરના ભાવતાલ મુદ્દે થયેલો વિવાદ લોહીયાળ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાના ત્રણ દિવસ જૂના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં લોકો એકબીજા પર પથ્થરમારો કરતા અને નાળિયેર ફેંકતા નજરે પડી રહ્યા છે. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો ઝઘડો એટલો વકર્યો કે બંને પક્ષોના લોકો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.

ઘટનાની વિગત અને કાર્યવાહી

પ્રાપ્ત વિગતો મુજબ અસારવામાં શાકભાજીની લારી ચલાવતા સીમાબેન અને નાળિયેર વેચતા તેમના સંબંધી હર્ષિતાબેનનો પડોશી વેપારી ચિચુ મંગાભાઈ પટણી સાથે ભાવ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ દરમિયાન ચિચુ પટણી તેના ભાણેજ આશિષ અને અન્ય સગાઓ સાથે મળીને મહિલાઓ પર તૂટી પડ્યો હતો. હુમલાખોરોએ માત્ર પથ્થરમારો જ નહીં પરંતુ તીક્ષ્ણ હથિયારો વડે પણ હુમલો કર્યો હતો અને ફરિયાદીની લારીમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસના નાક નીચે જ ગુંડાગીરી: સૌથી મોટો સવાલ

આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં આ હિંસક આતંક ખેલાયો, ત્યાં અસારવા લેક પાસે જ પોલીસનું બૂથ આવેલું છે. સ્થાનિકોમાં હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે જ્યારે પથ્થરમારો અને હુમલો થઈ રહ્યો હતો ત્યારે આ બૂથમાં રહેલા પોલીસકર્મીઓ શું કુંભકર્ણની નિદ્રામાં હતા? પેટ્રોલિંગ ટીમ ક્યાં હતી અને તેમને આટલી મોટી ઘટનાની જાણ કેમ ન થઈ? પોલીસ બૂથ સાવ નજીક હોવા છતાં હુમલાખોરોમાં ખાખીનો જરા પણ ડર કેમ નથી? શું પોલીસ એટલી નબળી પડી ગઈ છે કે ગુનેગારો જાહેરમાં આવી હરકતો કરી રહ્યા છે? આ સવાલોએ પોલીસ તંત્રની કામગીરી સામે મોટા શંકાના વાદળો ઉભા કર્યા છે.

આ હિંસક પથ્થરમારામાં એક વિદ્યાર્થીની અને એક સગીર બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે શાહીબાગ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ ચીચુ ગોદીવાલા આશિષ ભગતવાળા સહિત ચાર શખ્સો વિરુદ્ધ મારામારી ઈજા પહોંચાડવા અને મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ ઘટનાના સીસીટીવી અને વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

ખાખી પર લાગ્યો કલંક! કડી હુમલા કેસમાં 25 દિવસ વીત્યા છતાં ફરાર આરોપીઓ સામે ન કરાઈ કોઈ કાર્યવાહી

Published on: Mar 30, 2026 09:26 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">