મહુવામાં અચાનક ખાબકેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા, માર્કેટ યાર્ડમાં 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી જતા મોટુ નુકસાન- Video
સૌરાષ્ટના માથેથી વરસાદની ઘાત હજુ ગઈ નથી. ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આજે અચાનક ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં તૈયાર પાકને તો આ પાછોતરા વરસાદથી નુકસાન થઈ જ રહ્યુ છે પરંતુ જે ખેડૂતો તેમની જણસી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા તેમનો માલ પણ પલળી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવો પડી રહ્યો છે.
મહુવા તાલુકામાં મેઘરાજા મહેરબાન નહીં પરંતુ કોપાયમાન જણાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં આવેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાકને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે, ખાસ કરીને ખેડૂતોના કપાસ અને મગફળીના જેવા પાકોને ભારે નુકસાની જઈ રહી છે. ખેતરોમાં લહેરાતા તૈયાર પાકને હાલ વરસી રહેલા વરસાદથી ભારે નુકસાન જઈ રહ્યુ છે.બીજી તરફ આજે અચાનક મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો. એક ઈંચ જેટલો વરસાદ અચાનક ખાબકી જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં મુકેલી મગફળી પલળી જતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
મગફળી વેચવા પહોંચેલા ખેડૂતોએ ખુલ્લા મેદાનમાં ઉતારેલી મગફળી પર પાણી ફરી વળ્યુ છે. 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી ગઈ હોવાનું અનુમાન છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહી કરાઇ રહી છે. તેવામાં ખેડૂતો મગફળી લઇને ખેડૂતો માર્કેટ યાર્ડ આવ્યા હતા. ત્યારે વરસાદ આવી જતા મગફળી પલળી ગઈ અને ખેડૂતો આમતેમ દોડતા થયા હતા. પોતાનો પરસેવો સિંચીને વાવેલી તેમની જણસને બચાવવા માટે ખેડૂતો આમતેમ દોડતા જોવા મળ્યા હતા. મગફળીમાં પાણી ન જાય તે માટે તાડપત્રીનો સહારો લેતા જોવા મળ્યા. જો કે ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.