વડોદરામાં રોડ પર પડેલા ભૂવાનો અનોખો વિરોધ, જુઓ વીડિયો
વડોદરા શહેરમાં ચોમાસાના વરસાદ પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. વડોદરા શહેરના અકોટાથી મુજમહુડા જવાના માર્ગ પર ભૂવા પડવા એ હવે નવાઈની વાત નથી રહીં. ભૂતકાળમાં પણ આ માર્ગ ઉપર મોટા ભૂવા પડેલા અને વર્તમાનમાં પણ ભૂવા પડવાનુ ચાલુ જ છે. વારંવાર પડતા ભૂવાથી કંટાળી ગયેલા સ્થાનિકોએ અનોખી રીતે ભૂવાનો વિરોધ કર્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર સમક્ષ, રોડ ઉપર ભૂવા પડવા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતા બહેરા કાને કોઈ રજૂઆત સંભળાતી નથી, આથી તંત્રના કાન આમળવા માટે વડોદરાના સ્થાનિકોએ એક અનોખો વિરોધ કર્યો.
વડોદરાના કેટલાક રહેવાસીઓએ, મનપા દ્વારા કોર્ડન કરાયેલા ભૂવાના સ્થળે જઈને દિવાબત્તી કરીને શ્રીફળ વધેર્યું હતું. જો કે આ અનોખા વિરોધ અંગે ઘણી રમૂજ ફેલાવવા પામી છે. કેટલાક લોકો કહેતા હતા કે, શહેરમાં વધુને વધુ ભૂવા પડે અને ભ્રષ્ટાચારીઓના ઘર ભરાય તેના કટાક્ષ સ્વરૂપે આવો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોનું કહેવું હતુ કે અવારનવારની રજૂઆત બાદ બહેરા કાને તંત્રની વાત તો નહીં પહોચે પરંતુ આંખોથી જરૂર જોશે કે ભૂવાનો સ્થાનિકોએ ભારે અને અનોખો વિરોધ કર્યો છે.
વડોદરાના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે વીએમસીમાં કરેલ આરટીઆઈ દ્વારા સામે આવેલ વિગતો ખરેખર ચોંકાવનારી છે. અકોટાથી મુજમહુડા સુધીનાં માત્ર બે કિલોમીટરના માર્ગ ઉરના વિસ્તારમાં, છેલ્લા એક વર્ષમાં એક બે ત્રણ કે ચાર નહીં પરંતુ નાના મોટા કુલ 21 ભુવા પડ્યાં હતા. આ 21 ભૂવાને પુરવા માટે પુરવા માટે પાલિકાએ પ્રજાના વેરાનાં રૂપિયામાંથી બે કરોડ જેટલા રૂપિયાનું આંધણ કર્યું હતું આમ છતા આ રોડ ઉપર ભૂવા પડવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. આથી જ ભ્રષ્ટાચારીઓના ગજવા ભરાય અને ભૂવાનો સીલસીલો ચાલુ રહે તેવો મનપા-કોન્ટ્રાક્ટરોના જે ખેલ ચાલી રહ્યાં છે તેનો દિવા, અગરબત્તી અને શ્રીફળ વધેરીને વિરોધ કર્યો હતો.
વડોદરા સહીત ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
