દાહોદની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે ખરાખરીનો જંગ, ઝાલોદ બેઠક પર ગૂંચવાઈ શકે છે કોકડુ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ જિલ્લાની 6 બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. જેમાં ખાસ કરીને ઝાલોદ બેઠક વધુ નિર્ણાયક સાબિત થશે. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે તો આ બેઠક પરથી ભાજપના મહેશ ભુરિયા પણ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. તેમને ટિકિટ નહીં મળે તો અપક્ષ ઉમેદવારી પણ કરી શકે છે.
દાહોદ જિલ્લાની 6 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભર્યો જંગ જામવાના એંધાણ છે. દાહોદની 6 પૈકી 3 બેઠક ભાજપ પાસે અને 3 બેઠક કોંગ્રેસ પાસે હતી. ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા હવે ભાજપમાં જોડાતા આ બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી શકે છે, પરંતુ ઝાલોદ બેઠક પર મહેશ ભુરીયા ભાજપ માટે બાહુબલી ઉમેદવાર માનવામાં આવે છે. ત્યારે જો મહેશ ભુરીયાને ટિકીટ ન મળી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. બીજી તરફ દાહોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદાને ફરી ટિકીટ આપવામાં આવી છે. જ્યારે કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયા બાદ દેવગઢબારીયા બેઠક પર એનસીપીના ઉમેદવાર મેદાને ઉતરશે.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: દાહોદ બેઠક પર ત્રણ ટર્મથી કોંગ્રેસનો દબદબો
દાહોદ વિધાનસભા બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો અહીં પાછલી 3 ટર્મથી કોંગ્રેસનું રાજ ચાલી રહ્યું છે અને કોંગ્રેસના વજેસિંગ પણદાનો વિજય થઈ રહ્યો છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ આ બેઠક જીતવામાં સફળ નથી રહી. 1962થી અહીં 13 વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. જેમાં 10 વખત કોંગ્રેસ જ્યારે 3 વખત જ ભાજપને જીત મળી છે. 1990માં પ્રથમવાર ભાજપે દાહોદમાં સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. જ્યારે 2002થી ભાજપનો દાહોદ બેઠક પર રાજકીય વનવાસ ચાલી રહ્યો હોય તેવુ દેખાઈ રહ્યુ છે.
ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022: આદિવાસી મતદારોનો દબદબો
આદિવાસી અનામત બેઠક ગણાતી દાહોદ બેઠક પર આદિવાસી મતદારોનો દબદબો છે. અહીં કોંગ્રેસને આદિવાસીઓનો અપાર પ્રેમ મળી રહ્યો છે. જોકે 2022માં ભાજપે આદિવાસી મતબેંક અંકે કરવા પ્લાન ઘડ્યો છે.