ઋષિ ભારતી બાપુના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી, સરખેજ આશ્રમના મેનેજરનો મોટો આરોપ
સરખેજ આશ્રમના મેનેજર રામભાઇ ગઢવીએ આરોપ લગાવ્યા છે કે, ઋષિ ભારતી બાપુ મર્યાદામાં નહોતા રહેતા તેમજ તેમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. તો વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.
અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના વહીવટને લઇને ફરી વિવાદ ઉભો થયો છે. મહામંડલેશ્વર હરિહરાનંદજીએ આશ્રમનો કબ્જો લઇ શિષ્ય ઋષિ ભારતી બાપુ સામે વહીવટમાં ગોબાચારીના આક્ષેપો લગાવ્યા છે. ત્યારે હવે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે. તો આ બધાની વચ્ચે આશ્રમના મેનેજર રામભાઇ ગઢવીએ ઋષિ ભારતી પર મોટો આરોપ મુક્યો છે.
સરખેજ આશ્રમના મેનેજર રામભાઇ ગઢવીએ આરોપ લગાવ્યા છે કે, ઋષિ ભારતી બાપુ મર્યાદામાં નહોતા રહેતા તેમજ તેમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. તો વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, સાધુ-સંતો સંત વેશમાં જ હોવા જોઈએ, બંને લોકો અલગ વેશમાં હતા. વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે, પરંતુ એમને એક દીકરી પણ છે.
તો બીજી તરફ હરિહરાનંદ બાપુએ ઋષિભારતીએ ગેરવહીવટ કર્યાનો મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રસ્ટની સંપત્તિનો કોઈ વિવાદ નથી, વહીવટનો વિવાદ છે. તો ઋષિભારતી બાપુએ જાતિ અંગે કરેલા આક્ષેપને હરિહરાનંદ બાપુએ ફગાવ્યા છે. ત્યારે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે. ઋષિ ભારતીએ જણાવ્યું કે મારે સંપત્તિ બાબતનો કોઇ ઝઘડો નથી. હું સંપત્તિ માટે સાધુ નથી બન્યો, પરંતુ ઉત્તરાધિકારીનો વિવાદ હવે જ્ઞાતિ આધારિત બની ગયો છે. મારી સાથે જ્ઞાતિ-જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે.