Gujarati Video: ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે નહીં ખરીદે પેટ્રોલ અને ડીઝલ, જાણો કેમ ?
પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ 2016માં લેખિત બાંહેધરી આપી હતી, કે દર 6 મહિને જાન્યુઆરી અને જૂનમાં કમિશનમાં વધારો અપાશે, પરંતુ તેનો કોઇ અમલ ઓઇલ કંપનીઓ દ્વારા કરાયો નથી. 15મીએ 'નો પર્ચેસ ડે' પર પંપ સંચાલકોને સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો આગામી 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપોનો સમય ઘટાડી દેશે. તેમની એક જ માગ છે, કે કમિશનમાં વધારો કરવામાં આવે.
ગુજરાતભરના પેટ્રોલ પંપ (Petrol Pump) સંચાલકોએ 15 તારીખે ‘નો પર્ચેસ ડે’ જાહેર કર્યો છે. પંપ સંચાલકોનું કમિશન છેલ્લા 6 વર્ષથી વધ્યું ન હોવાથી પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીથી નારાજ થયા છે અને 15 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ ન ખરીદી સાંકેતિક વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. લગભગ સાડા 4 હજાર જેટલા પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદે. તેથી એક જ દિવસમાં ઓઈલ કંપનીઓને રૂ.96 કરોડનો ફટકો પડશે.
પંપ સંચાલકોની માગ છે, કે પેટ્રોલિયમ મંત્રાલયની લેખિત બાંહેધરી મુજબ કમિશનમાં વધારો કરવામાં આવે. 6 વર્ષથી કમિશનમાં કોઈ જ વધારો નથી કરાયો. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પમ્પ સંચાલકોમાં રોષ ફેલાયો છે. હાલ પંપ સંચાલકોને પેટ્રોલ પર 3.10 પૈસા અને ડીઝલ પર 2.3 પૈસા કમિશન મળે છે. આ કમિશનનો ભાવ 1 ઓગસ્ટ 2017એ અપાયો હતો.
પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ 2016માં લેખિત બાંહેધરી આપી હતી, કે દર 6 મહિને જાન્યુઆરી અને જૂનમાં કમિશનમાં વધારો અપાશે, પરંતુ તેનો કોઇ અમલ ઓઇલ કંપનીઓ દ્વારા કરાયો નથી. 15મીએ ‘નો પર્ચેસ ડે’ પર પંપ સંચાલકોને સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો આગામી 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપોનો સમય ઘટાડી દેશે. તેમની એક જ માગ છે, કે કમિશનમાં વધારો કરવામાં આવે.





