22 કરોડના કામો vs ગંદકીના ઢગલાની સાથે વિકાસ માત્ર કાગળ પર ? ભુજમાં ભાજપ સામે બગાવત ! વોર્ડ-8માં ‘નો એન્ટ્રી’ના બેનર
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. રોટરીનગર અને માધવનગર સહિતની અનેક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા છે. એકતરફ ભાજપ ઉમેદવાર 22 કરોડના વિકાસ કામો ગણાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સફાઈ અને પરિવહન જેવી પાયાની જરૂરિયાતો માટે લોકો પરિવર્તનના મૂડમાં જણાઈ રહ્યા છે.
કચ્છમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ ભુજ શહેરના વોર્ડ નંબર 8માં દ્રશ્યો કઈંક અલગ જ જોવા મળી રહ્યા છે. રોટરીનગર, માધવનગર, જૂની રાવલવાડી અને લાભશુભ સોસાયટી જેવા વિસ્તારોમાં સત્તાધારી પક્ષ ભાજપ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. વર્ષોથી પડતર પ્રશ્નો અને પાયાની સુવિધાઓના અભાવે કંટાળેલા લોકોએ હવે ‘પરિવર્તન’નો મનસૂબો બનાવ્યો હોય તેમ લાગે છે.
ગંદકી અને ખરાબ રસ્તાથી રહીશો ત્રસ્ત
સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા દોઢ મહિનાથી વિસ્તારમાં સફાઈ કામગીરી થઈ નથી, જેને કારણે ગંદકીના ગંજ ખડકાયા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. જૂની રાવલવાડીમાં રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે અને ગટરો ઉભરાવી એ રોજની સમસ્યા બની ગઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના અભાવે લોકોને મોંઘા ભાડા ખર્ચીને અવરજવર કરવી પડે છે. આક્રોશ એટલો છે કે માધવનગરના રહીશોએ સોસાયટીના નાકે રાજકીય ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવી દીધા છે.
ઉમેદવારનો પક્ષ અને આક્ષેપ
આ વખતે ભાજપે વોર્ડ નંબર 8માં સતત ત્રીજી વખત મનુભા જાડેજાના પરિવારને ટિકિટ આપી છે. ડેમેજ કંટ્રોલ માટે પહોંચેલા કાર્યકરોને જનતાના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ઉમેદવાર મનુભા જાડેજાએ આ વિરોધને નકારતા જણાવ્યું હતું કે, આ જનતાનો વિરોધ નથી પણ કોંગ્રેસ દ્વારા પ્રેરિત રાજકીય ગતકડું છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પત્નીના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારમાં 22 કરોડના વિકાસકામો થયા છે અને બાકી રહેલા કામો આગામી સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપી છે.
હવે જોવાનું એ રહેશે કે કરોડોના વિકાસના દાવાઓ સામે જનતાની પાયાની જરૂરિયાતોનો આક્રોશ ચૂંટણીના પરિણામોમાં શું વળાંક લાવે છે.
(ઈનપુટ ક્રેડિટ: નીતિન ગરવા)
શું નેતાઓ સાંભળશે? તણખલા ગામમાં આક્રોશની જ્વાળા, રોડ માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી
