શું નેતાઓ સાંભળશે? તણખલા ગામમાં આક્રોશની જ્વાળા, રોડ માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના તણખલા ગામમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મુખ્ય માર્ગ બંધ થઈ જવાથી અને કાચા રસ્તાને કારણે હાલાકી ભોગવતા ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. રજૂઆતો છતાં પરિણામ ન મળતા હવે “રોડ નહીં તો વોટ નહીં” ના નારા સાથે લોકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.
એકતરફ આધુનિક વિકાસની ગુલબાંગો ફેંકવામાં આવે છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. નસવાડી તાલુકાના તણખલા ગામમાં રોડ-રસ્તાની વિકટ સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જે હવે ચૂંટણી બહિષ્કારના રૂપમાં બહાર આવી છે.
બિલ્ડરોના કારણે રસ્તો થયો બંધ
સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે વિસ્તારમાં નવા મકાનો બનાવનારા બિલ્ડરો દ્વારા મનસ્વી રીતે મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વર્ષો જૂનો અવરજવરનો રસ્તો છીનવાઈ ગયો છે. હવે ગ્રામજનોએ પોતાના ઘરે પહોંચવા માટે લાંબો ચકરાવો લેવો પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં લોકપ્રતિનિધિઓ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
ચોમાસામાં નરક જેવી સ્થિતિ
ગામમાં પાકા રસ્તાના અભાવે કાચા માર્ગ પર ચોમાસા દરમિયાન સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. ઠેર-ઠેર કાદવ અને પાણી ભરાઈ જવાથી લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુષ્કર બને છે. બીમારી કે ઈમરજન્સીના સમયે વાહનો પણ આવી શકતા નથી, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે.
ચૂંટણી બહિષ્કારની ચીમકી
તંત્રની ઘોર નિંદ્રા અને નેતાઓની ઉદાસીનતાથી કંટાળેલા તણખલા ગામના લોકોએ હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. ગ્રામજનોએ એકઠા થઈને “રોડ નહીં તો વોટ નહીં” ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રસ્તાની સુવિધા નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન મથક સુધી નહીં જાય.
હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી નજીક આવતા નેતાઓ મત મેળવવા ગામમાં આવે છે કે પછી ગ્રામજનોની આ માગણી સ્વીકારીને રસ્તાનું કામ શરૂ કરાવે છે.
(ઈનપુટ ક્રેડિટ: મકબૂલ મન્સૂરી)
બંગાળમાં મતદાન વચ્ચે ખેલા હોબે…! પોલિંગ બૂથ બહાર લાઠી-ડંડા ઉછળ્યા, નેતાઓના કાફલા પર પથ્થરમારો
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
