ગુજરાતમાં છેવટે મેઘમહેર, ધમધોકાર વરસાદ સાથે લોકોમાં ખુશીનો માહોલ – જુઓ Video
ગુજરાતમાં લાંબાગાળાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને એવામાં આખરે વરસાદે ગુજરાતમાં જળબંબાકાર એન્ટ્રી મારી છે. ગુજરાતના કુલ 101 તાલુકામાં નોંધપાત્ર રીતે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આ વર્ષે વહેલુ ચોમાસુ બેસવાની વાત હતી પરંતુ છેલ્લા 20 દિવસથી ચોમાસુ મુંબઈથી ગુજરાત તરફ આગળ વધ્યું જ નહોતું. લાંબાગાળાથી ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી હતી અને એવામાં આખરે વરસાદે ગુજરાતમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જીને એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કુલ 70 તાલુકામાં નોંધપાત્ર રીતે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેવટે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ભાવનગરના જેસરમાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને 9 ઇંચથી વધુનો વરસાદ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, જેસરમાં 9 ઇંચ વરસાદ ફક્ત 4 કલાકમાં જ વરસ્યો હતો.
આ સિવાય પાલીતાણામાં 7.28 ઇંચ, મહુવામાં 6.93 ઇંચ, સિહોરમાં 8.81 ઇંચ, તળાજામાં 3.03 ઇંચ, ગારીયાધારમાં 1.02 ઇંચ, રાજુલામાં 1.69 ઇંચ, ઉમરગામમાં 1.22 ઇંચ અને સુત્રાપાડામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે.
જણાવી દઈએ કે, અંકલેશ્વરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે અને ખેતીકામ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.
બીજી તરફ નદીઓ અને તળાવો પણ પાણીથી છલકાઈ ગયા છે. જો કે, વરસાદને કારણે થોડીક જગ્યાએ નદી-નાળાં ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત થયા છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો