રાજકોટથી રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન, કોંગ્રેસના નયનાબા જાડેજાએ કરી જાહેરાત
રાજકોટ હવે રણસંગ્રામ બની ગયું છે. એક તરફ રાજપૂતોનો વિરોધ તો બીજી તરફ આજે કોંગ્રેસના નેતાઓ રૂપાલાને દુશાસન ગણાવતા ભાજપનો પલટવાર. રોજે રોજ રાજકોટમાં રાજકીય વાર પ્રહાર અને વિરોધ જોવા મળી રહ્યો છે. જુઓ રાજકોટમાં ધાનાણીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ સર્જાયેલ હાઈપ્રોફાઈલ લડાઈ
રૂપાલા સામે રાજપૂતો રણે ચઢ્યા છે ત્યારે 19 તારીખની ડેડલાઈન પૂરી થઈ છે. રાજપૂતોએ મહાસંમેલન દરમિયાન ભાજપને 19 તારીખ સુધી રૂપાલાને હટાવવાની વાત કરી હતી. જોકે 19 તારીખ પૂરી થઈ અને પરિસ્થિતિ જૈસે થે છે. ના તો ભાજપે રાજપૂતોની માગને સ્વીકારી, સ્વીકારી તો દૂર પરંતુ ગણકારી સુધી નથી. તો પછી સવાલ એ છે કે રાજકોટમાં રૂપાલાને હરાવવા માટે ખાસ કરીને મહિલાઓ શું રણનીતિ બનાવશે
ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા
શરૂઆતમાં એવી વાત હતી કે 350થી વધુ ક્ષત્રિય મહિલાઓ દ્વારા રાજકોટ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે પરંતુ હવે એ વાત તો આગળ વધી નહી ત્યારે સવાલ એ છે કે રૂપાલાને હરાવવા માટે રાજપૂતો કોંગ્રેસ તરફી રહેશે ? જોકે આ સવાલનો જવાબ હા છે કારણ કે રાજકોટમાં નયનાબા જાડેજાએ કહ્યુ કે આ સરકારને રાજપૂતોની જરૂર નથી એટલે હવે તમામ ક્ષત્રિય સમાજના લોકો કોંગ્રેસ તરફી રહેશે
રૂપાલા સામે રાજપૂતોનું ‘મિશન’
રાજકોટ સીટ પર ક્ષત્રિય મહિલાઓની રણનીતિ સાફ છે તેઓ કોંગ્રેસને મત આપશે. જોકે આજે પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ પરેશ ધાનાણી વિશ્વકર્મા મંદિર અને કબા ગાંધીના ડેલામાં દર્શન કર્યા હતા. ભગવાનના આશીર્વાદ લઇને ધાનાણીએ ઉમેદવારી નોંધાવી હતી. ક્ષત્રિયો દ્વારા પરશોત્તમ રૂપાલાના પ્રખર વિરોધને જોતા ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. વિજય મુર્હૂતમાં પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભર્યા બાદ ધાનાણીએ વિજયનો હુંકાર કર્યો હતો
આ તરફ પરેશ ધાનાણીને માત્ર ક્ષત્રિય મહિલાઓ જ નહી પરંતુ પુરુષો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે ધાનાણીને સમર્થન આપતા જીતની વાત કરી હતી
શું રાજકોટમાં રાજપૂતો કોંગ્રેસ તરફી ?
એટલે એક વાત ચોક્કસ લાગી રહી છે કે રાજપૂતોનું ખુલ્લુ સમર્થન પરેશ ધાનાણીને મળી રહ્યું છે. જોકે રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન આજે ફરી એકવાર વિવાદ સર્જાયો. રાજકોટમાં કોંગ્રેસની સભામાં પ્રતાપ દૂધાતે પરશોત્તમ રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા સાથે જ દિલ્લીમાં બેઠેલા લોકોને ધુતરાષ્ટ્ર ગણાવ્યા. આ તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દૂધાતને જવાબ આપતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન જ કૌરવોની સેના છે.
રાજકોટમાં બરાબરનો રાજકીય ગરમાવો આવી ગયો છે. ક્ષત્રિયોના વિરોધ બાદ રાજકોટ બેઠક પર કોંગ્રેસને સમર્થનની વાત હોય કે પછી ફરી વિવાદિત ટિપ્પણીઓની વાત હોય, એવુ લાગે છે કે રાજકોટ બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા આગામી દિવસોમાં હજી પણ જોવા મળી શકે છે.