રાજ્ય સરકારને ભારતીય કિસાન સંઘની ચેતવણી, ખેડૂતો રસ્તા પર ન ઉતરે તેની ચિંતા કરે સરકાર- Video
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો પાયમાલીના ગર્તામાં ધકેલાઈ ગયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને ચેતવ્યા છે કે ખેડૂતો રસ્તા પર ન ઉતરે તેવી પરિસ્થિતિ નિર્માણ ન પામે તેના માટે સરકાર ચિંતા કરે.
રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો સાથે સરકાર પણ મજાક કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. પહેલા કૃષિમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બે દિવસમાં સર્વે કરી ખેડૂતોને સહાય પેકેજ આપવામાં આવશે. જે બાદ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેમા એવી જાહેરાત કરાઈ છે કે 20 દિવસ બાદ સરકાર સહાય પેકેજ જાહેર કરશે. બીજી તરફ ટેકાના ભાવે ખરીદીમાં પણ 1લી નવેમ્બરથી ખરીદી કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. પરંતુ કેટલી મગફળીની ખરીદી થશે તેની કોઈ જાહેરાત નથી કરાઈ. આ તમામ વિરોધાભાસી નિવેદનોને કારણે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને ચેતવી છે. ભારતીય કિસાન સંઘે ચેતવણી આપતા કહ્યુ છે કે ખેડૂતોને રસ્તા પર ઉતરવુ પડે તેવી સ્થિતિનું સરકાર નિર્માણ ન કરે. એક તરફ કુદરત કોપાયમાન થઈ છે અને માવઠાનો માર ઝેલી રહેલા ખેડૂતોની વધુ કસોટી ન કરો. આક્રોષિત ખેડૂતો રસ્તા પર ઉતરશે તો સરકારને ચિંતા કરવી પડશે.
કિસાન સંઘે જણાવ્યુ છે કે તંત્ર ખેડૂતોની મજાક કરતુ હોય તેવુ લાગે છે. સરકાર દ્વારા 1લી નવે. એ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાઈ હતી. જેને ધ્યાને લઈ અનેક ખેડૂતો પોતાની મગફળી લઈને વેચવા માટે લાઈને લગાવશે પરંતુ કાલે ખરીદી થશે કે નહીં તેનુ સ્પષ્ટીકરણ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યુ નથી. ના તો કેટલી મગફળીની ખરીદી થશે તે અંગે જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો કાલે તેમની જણસી લઈને જશે તો શું ખરીદી થશે?એકતરફ માવઠાનો માર છે અને કેટલા દિવસ પછી સરકાર ખરીદી કરશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતો દ્વીધામાં મુકાઈ રહ્યા છે. તો ભારતીય કિસાન સંઘે માગ કરી છે કે કેટલા મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.