ભર ઉનાળે વીજળીના કડાકા અને મીની વાવાઝોડું ! ખેડા જિલ્લામાં કુદરતની બેવડી માર, નડિયાદ-માતરમાં કમોસમી વરસાદથી ફફડાટ

| Edited By: | Updated on: Apr 07, 2026 | 4:27 PM

ખેડા જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું અને નડિયાદ સહિતના વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો. હાઈવે પર વિઝીબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા.

ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે ખેડા જિલ્લાના વાતાવરણમાં આજે એવો પલટો આવ્યો કે લોકો અચરજમાં મુકાઈ ગયા. બપોર સુધી આકરો તડકો સહન કરી રહેલા ખેડાવાસીઓએ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો અને વીજળીના કડાકા જોયા. થોડી જ વારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ઉનાળામાં અષાઢી માહોલ જેવો નજારો સર્જાયો હતો.

નડિયાદમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ

જિલ્લા મથક નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે મીની વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેજ પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને રસ્તા પર ચાલતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પવન બાદ શરૂ થયેલા કમોસમી વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

કયા કયા વિસ્તારોમાં થયો વરસાદ?

ખેડા જિલ્લાના મુખ્ય કેન્દ્રો અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી:

મુખ્ય શહેરો: નડિયાદ, માતર, ઉત્તરસંડા અને વડતાલ.

ગ્રામીણ વિસ્તારો: માતરના ભલાડા, સીંજીવાડા, નરસંડા અને પરીએજ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા.

હાઈવે પર વિઝીબિલિટી ઓછી થઈ, વાહનચાલકો અટવાયા

આ કમોસમી વરસાદ અને તેજ પવનની સૌથી મોટી અસર અમદાવાદ-વડોદરા હાઇવે પર જોવા મળી હતી. પવન અને વરસાદને કારણે હાઈવે પર વિઝીબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને વાહનો થોભાવી દેવા પડ્યા હતા અથવા ખૂબ જ ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી હતી.

ખેડૂતોમાં ચિંતાનું મોજું

ભર ઉનાળે આવેલા આ વરસાદે ખેડૂતોની ઉંઘ ઉડાવી દીધી છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે પવન અને વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક આવેલા આ પલટાએ સમગ્ર જિલ્લામાં ઠંડક તો પ્રસરાવી છે, પરંતુ સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ ઉભી કરી છે. શું આ પલટો હજુ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે? હવામાન વિભાગની આગાહી પર હવે સૌની નજર ટકેલી છે.

(ઈનપુટ ક્રેડિટ: ધર્મેન્દ્ર કપાસી)

વીમા કંપનીઓનો ‘છૂપો ખેલ’ ખતમ ! IRDAI એ આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, હવે હિડન ચાર્જ અને છેતરપિંડી કરનાર કંપનીઓની ખેર નથી

Follow Us