જામનગર: જય અંબે મિત્ર મંડળનો લાડુ મહોત્સવ, ગણેશજી માટે બનાવવામાં આવ્યા 15,551 લાડુ- Video
જામનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા 21મા વર્ષે પણ ગણેશજીને 15,551 લાડુ અર્પણ કરીને અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી. આ મહોત્સવમાં 300 થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ લાડુ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પણ સમાજિક સંવાદનો પણ એક ઉત્તમ માધ્યમ છે. આ પરંપરા દ્વારા ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય છે.
જામનગરમાં હાલ ગણેશ મહોત્સવને લઈ જુદા જુદા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ત્યારે જય અંબે મિત્ર મંડળે લાડુ બનાવવાની અનોખી પરંપરાને સવાઈ કરી હતી. છેલ્લા 21 વર્ષથી ભગવાન ગણેશજીને પ્રિય એવા લાડુ બનાવી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે. 15 હજાર 551 લાડુ બનાવી ગણેશજીને પ્રસાદી સ્વરૂપે અર્પણ કરાયા હતા. મહિલાઓ સહિત 300થી વધુ સભ્ય અને સ્થાનિકોએ લાડુ તૈયાર કર્યા. આ લાડુને ગણપતિજીના ચરણોમાં પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવ્યા. આટલા લાડુ તૈયાર કરવા માટે 500 કિલો ઘઉંનો લોટ, 250 કિલો ગોળ, 30 તેલના ડબ્બા, 10 ઘીના ડબ્બા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો.
જય અંબે મિત્ર મંડળ ન માત્ર આ લાડુ મહોત્સવ માટે જાણીતું છે, પણ સમગ્ર વર્ષે વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલું રહે છે. લાડુ મહોત્સવ દરમિયાન સ્થાનિક લોકોના સહયોગથી આજે પણ આ પરંપરા અકબંધ રાખી શકાઈ છે.
આવા કાર્યક્રમો માત્ર ધાર્મિક તહેવાર નથી, પણ સમાજના વિવિધ વર્ગો અને વયના લોકો માટે ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાવાનો અવસર હોય છે. 15,551 લાડુઓ ગણપતિજીને અર્પિત કરીને જે ભક્તિ વ્યક્ત કરવામાં આવી, તે દ્રશ્યે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિના હૃદયમાં ગણેશભક્તિ પ્રગટાવી દીધી હતી.