જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો આકરો વિરોધ- Video
જામનગરમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા અનોખો વિરોધ નોંધાવ્યો છે. હાલના 70 મણના બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદવાની માંગ સાથે બળદગાડા સાથે રેલી કાઢી ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું.
જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ બળદ ગાડા પર બેસીને મગફળીના છોડ સાથે રાખીને સૂત્રોચ્ચાર સાથે અનોખો વિરોધ નોંધાવ્યો. બળદગાડા સાથે ખેડૂતો અને કિસાન કોંગ્રેસના નેતાઓ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા જ્યાં ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
ખેડૂતોની માગણી છે કે ખેડૂત દીઠ 70 મણ મગફળીના બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે. ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ખેડૂત દીઠ ખરીદીનો જથ્થો નહીં વધારવામાં આવે તો અનેક ખેડૂતો વંચિત રહેશે.
ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે પહેલા 1660 રૂપિયા મગફળીના ભાવ બોલાયા હતા આથી હજારો ખેડૂતો તેમની મગફળી લઈને વેચવા માટે આવ્યા. જેમા માત્ર એક ખેડૂતને 1660 રૂપિયાનો ભાવ મળ્યો અન્ય ખેડૂતોને 960 રૂપિયે મગફળીના આપવામાં આવ્યા. આ તરફ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ અન્ય યાર્ડની સરખામણીએ જામનગર યાર્ડમાં ખેેડૂતોને સારા ભાવ આપવામાં આવી રહ્યા છે અને ટેકાના ભાવ અને હરાજીના ભાવની સરખામણી થઈ શકે નહીં, ખેડૂતોનો માલ અને બજારમાં પુરવઠાની આવક અને માગને આધારે ભાવ નક્કી થતા હોય છે.