મલેશિયાએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો! 1 જાન્યુઆરીથી વિઝા ફ્રી એન્ટ્રી થશે બંધ, નવા નિયમો જાહેર
મલેશિયાએ ભારતીય નાગરિકોને મળનારી 30 દિવસની વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા બંધ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ભારતીયો વિઝા વિના મલેશિયાનો પ્રવાસ નહીં કરી શકે. હવે મલેશિયા જવા માટે વિઝા ફરજિયાત લેવા પડશે.

વિદેશ પ્રવાસનું આયોજન કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મલેશિયા સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી 30 દિવસની વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલી બનશે. એટલે કે હવે ભારતીય પાસપોર્ટ ધારકોએ મલેશિયા જવા માટે અગાઉથી વિઝા મેળવવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત મલેશિયાએ વિઝા અરજી, ફી રિફંડ અને મલ્ટિપલ એન્ટ્રી વિઝાને લઈને પણ નવા નિયમો જાહેર કર્યા છે.
1 જાન્યુઆરીથી વિઝા વગર મલેશિયામાં પ્રવેશ નહીં
મલેશિયાના ઇમિગ્રેશન વિભાગ (JIM) દ્વારા 17 નવેમ્બરે જાહેર કરવામાં આવેલી નોટિસમાં આ નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. અત્યાર સુધી ભારતીય નાગરિકો બિઝનેસ, પ્રવાસન, સામાજિક કાર્યક્રમો અથવા ટ્રાન્ઝિટ માટે 30 દિવસ સુધી વિઝા વગર મલેશિયા જઈ શકતા હતા. જોકે, 1 જાન્યુઆરીથી આ સુવિધા સમાપ્ત થઈ જશે. હવે પ્રવાસીઓએ મલેશિયા પહોંચતા પહેલાં માન્ય વિઝા મેળવવો પડશે.
1 ડિસેમ્બરથી વિઝા માટે કરી શકાશે અરજી
મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે ભારતીય પ્રવાસીઓને અસુવિધાથી બચવા અગાઉથી વિઝા મેળવી લેવાની સલાહ આપી છે. આ માટે 1 ડિસેમ્બર, 2026થી MyVISA પોર્ટલ પર અરજી કરી શકાશે. નવા નિયમો અનુસાર, પ્રવાસીઓ પાસે ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ હોવો જરૂરી છે. આ ઉપરાંત મલેશિયામાં રોકાણ દરમિયાન ખર્ચ ઉઠાવી શકે તેટલી નાણાકીય ક્ષમતાનો પુરાવો પણ આપવો પડશે.
વિઝા અરજી એક્સપાયર થશે, ફી પણ નહીં મળે પરત
મલેશિયાએ વિઝા અરજી અને ફીને લઈને પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી નીતિ પ્રમાણે, અરજીની સ્થિતિમાં સાત કાર્યદિવસથી વધુ સમય સુધી નવી અરજી અથવા પેમેન્ટ પેન્ડિંગ રહે તો અરજી એક્સપાયર થઈ જશે. આવી સ્થિતિમાં પ્રવાસીએ અપડેટેડ વિઝા ફોર્મ સાથે ફરી અરજી કરવી પડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિઝા અરજીનું પરિણામ ગમે તે હોય અથવા પ્રવાસનું આયોજન બદલાય, વિઝા ફી પરત કરવામાં આવશે નહીં.
મલ્ટિપલ એન્ટ્રી વિઝા અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સના નિયમો
આ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી મલેશિયાએ 31 દેશોના નાગરિકો માટે મલ્ટિપલ એન્ટ્રી વિઝાની સુવિધા મર્યાદિત કરી છે. હવે મુખ્યત્વે બિઝનેસ, મેડિકલ ટ્રીટમેન્ટ, વેડિંગ ટૂરિઝમ અને ફ્લાય-એન્ડ-ક્રૂઝ માટે આવતા પ્રવાસીઓને આ સુવિધા આપવામાં આવી રહી છે.
મલેશિયાના ઇમિગ્રેશન વિભાગે પ્રવાસીઓને મુસાફરીના સમયગાળા માટે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ લેવાની પણ સલાહ આપી છે. ત્યાંના બિનનિવાસી પ્રવાસીઓએ સારવાર અને આરોગ્ય સેવાઓનો ખર્ચ જાતે ભોગવવો પડશે. વીમા સંબંધિત દસ્તાવેજ તરીકે MyTripPassનું સર્ટિફિકેટ ઓફ ઇન્શ્યોરન્સ રજૂ કરી શકાશે.
