અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રનના અરેરાટીભર્યા CCTV ફુટેજ આવ્યા સામે- Video
અમદાવાદમાં 15 સપ્ટેમ્બરે ઘટેલી હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ વીડિયો એટલો ભયાવહ છે કે ઘડીભર માટે તો ધબકારો ચુકી જવાય. પરિવાર સાથે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલા અને બાળકને પાછળથી ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો.
અમદાવાદમાં 15 સપ્ટેમ્બરની હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મહિલા તેના પરિવાર સાથે જઈ રહી છે. જેમા પાછળથી આવી રહેલી કારે એવી તો જોરદાર ટક્કર મારી કે કારની સાથે મહિલા અને તેનુ બાળક બંને દૂર સુધી ઘસડાયા હતા. જો કે આ ટક્કર મારીને કારચાલક ફરાર થઈ ગયો હતો. શ્રીજી પાર્ટી પ્લોટ પાસે આ ઘટના બની હતી. સોફ્ટવેર ડેવલપર યુવક રણજિતસિંહના પરિવારને ટક્કર મારી હતી, હાલમાં ગંભીર રીતે ઘાયલ પત્ની અને દીકરાની સારવાર ચાલી રહી છે. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઈવનિંગ વોક માટે નીકળેલા દંપતી પૈકી પત્ની અને પુત્રને ટક્કર મારી કારચાલક ફરાર
અરેરાટી ઉપજાવનારા આ દૃશ્યો સામે આવ્યા બાદ ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. રણજીતસિંહ બલગરિયા નામના વ્યક્તિ તેમની પત્ની અને 12 વર્ષના પુત્ર સાથે સાયન્સ સિટી સર્કલથી પગપાળા જઈ રહ્યા હતા. આ ત્રણેય ઈવનિંગ વોક માટે નીકળ્યા હતા. તે જ સમયે અચાનક પૂરપાટ ઝડપે પાછળી કાર ચાલકે મહિલા અને પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં અત્યંત ગંભીર રીતે માતા-પુત્રને ઈજા પહોંચી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને હાલ સારવાર હેઠળ છે.
પોલીસે હાલ કાર ચાલકનો કાર નંબર શોધવાની કવાયત હાથ ધરી
ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજની ચકાસણી કરી રહી છે અને તેની આગળના ફુટેજને પણ ચકાસી રહી છે. અકસ્માતની ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે તેમા કાર નંબર સ્પષ્ટ થતો દેખાઈ નથી રહ્યો. જેના કારણે કારચાલકની ઓળખ થઈ શકી નથી. જો કે પોલીસ આસપાસના તેમજ મુખ્ય માર્ગોના સીસીટીવી તપાસી કાર નંબર શોધવાની કવાયત હાથ ધરાઈ છે.