ગુજરાતમાં આખલાઓ ગમે ત્યાં ઘૂસી જતા હોય છે ગામ હોય કે શેરી કે પછી મહાનગરોના રસ્તા ગુજરાતમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે અને હવે તો આ આખલાઓ રસ્તા મૂકીને દરિયામાં પણ પહોંચી ગયા છે અને રખડતા આખલાઓ સામાન્ય નાગરિકથી માંડીને ભૂતકાળમાં રાજનેતાઓને પોતાની હડફેટે લીધા હતા.
હવે આ આખલાઓ લગ્ન પ્રસંગમાં પણ ઘૂસી ગયા હતા. અમરેલી જિલ્લાના ચલાલામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગ રંગેચંગે ચાલી રહ્યો હતો. આ લગ્ન પ્રસંગના મંડપમાં લગ્નોત્સવ ચાલી રહ્યો હતો, તેમાં આખલા ઘૂસી આવતા નાસભાગ મચી ગઈ હતી. લોકોએ આખલાને છૂટા પાડવા ખૂબ પ્રયત્ન કર્યા હતા. લગ્ન પ્રસંગમાં આ રીતે ધસી આવેલા બે આખલાઓને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હાલમાં આ બાખડતા આખલાનો વીડિયો ઘણો વાયરલ થયો છે.
ગુજરાતમાં તો ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વરતાય છે ગામ, શેરી કે પછી દુકાનો હવે દરેક જગ્યાએ રખડતાં ઢોરોએ માઝા મૂકી છે અને રખડતા ઢોરનો ત્રાસ ત્યાં સુધી વધ્યો છે કે તેણે રાજકીય નેતાઓને પણ પોતાની હડફેટે લેવાનું મૂક્યું નતી. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલેને પણ રખડતા ઢોરે નીચે પાડી દીધા હતા તો અન્ય એક ઘટનામાં ગુજરાતની ચૂંટણીના સમયે નેતાની ચાલુ સભામાં રખડતા ઢોર ઘૂસી આવતા રાજકીય સભામાં અફરાતફરી મચી ગઈ હતી.
ગુજરાતમાં રખડતા ઢોર અને રખડતાં શ્વાનને કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મૂકાય છે. તાજેતરમાં જ આખલાએ એક 4 વર્ષના બાળકે શિંગડાથી ઉલાળી દેતા બાળકનું મોત થયું હતું તો વડોદરામાં વાહનચાલક પાછળ શ્વાન દોડતા વાહન ચાલક નીચે પટકાયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.