રાજ્યના 157 તાલુકામાં વરસાદ ખાબક્તા નવરાત્રીના આયોજનો પર ફરી વળ્યુ પાણી, ખેલૈયાઓમાં નિરાશા-Video
ગુજરાત પર મજબૂત વરસાદી સિસ્ટમ બની છે. આગામી 48 કલાક ભારે ગુજરાત માટે ભારે હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં 7 થી 8 ઈંચ વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો અને 157 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વરસાદ ભરૂચમાં પડ્યો છે. અંકલેશ્વરમાં 4 ઈંચ વરસાદ ખાબ્યો છે. નર્મદાના ડેડિયાપાડામાં 3.98 ઈંચ, વલસાડના કપરાડામાં 3 ઇંચ, સુરતના ઉમરપાડામાં પણ 3 ઇંચથી વધુ, વલસાડના ઉમરગામમાં પણ સવા 2 ઇંચ વરસાદ, ડાંગના સુબીર અને સુરતના કામરેજમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગરબા આયોજકોની સ્થિતિ કફોડી બની છે. નવરાત્રિમાં વરસાદ આવતા સૌથી મોટી મુશ્કેલીમાં ખેલૈયાઓ છે. આયોજકોના કરોડો રૂપિયા પણ પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.વરસાદના કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ ગયા છે. કીચડ અને કાદવના કારણે આગામી 2 દિવસ સુધી ગરબા થાય તેવી શકયતાઓ ખુબ જ ઓછી થઇ ગઇ છે.
ગરબા આયોજકોએ ગરબા થાય તેવી તૈયારીઓ કરી હત પરંતુ એકસામટો વરસાદ ખાબકી જતા ગ્રાઉન્ડ પર ગરબા રમી શકાય તેવુ લાગી રહ્યુ નથી. મેઘરાજા મુશળધારના મુડમાં આવ્યા અને ગ્રાઉન્ડની દશા બગાડી નાખી છે. મોડી રાત સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધોધમારની જ આગાહી છે.
ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ગરબાની શકયતાઓ સમાપ્ત થઇ ગઇ છે. જેથી ખેલૈયાઓ નિરાશ થયા છે. વરસાદના કારણે ગરબાની મજા બગડી ગઇ છે અને ખેલૈયાઓ પણ નિરાશ જોવા મળી રહ્યા છે. હજુ 24 કલાક વરસાદી માહોલ રહેશે. એટલે અંતિમ દિવસોમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન સાબિત થયો છે.